સૌરાષ્ટ્રના જૂનાગઢમાં થયો આવકારદાયક નવતર પ્રયોગ. તિરંગાનો ઉપયોગ કરીને એને સન્માનપૂર્વક કૂંડામાં વાવવાથી તુલસીનો છોડ ઊગે એ રીતે બનાવવામાં આવેલા તિરંગાને સ્થાનિક મ્યુઝિયમ અને ગૅલરીમાં આવતા લોકોને એક પણ પૈસો લીધા વગર આપવામાં આવ્યા
જૂનાગઢમાં ઍન્ટિક કૉઇન મ્યુઝિયમ અને સરદાર ગેટ ગૅલરીમાં આવતા મુલાકાતીઓને આપવામાં આવી રહેલા તિરંગા.
આજે દેશભરમાં ૭૭મા સ્વતંત્રતા પર્વની દેશભક્તિ સાથે હર્ષોલ્લાસપૂર્ણ ઉજવણી થશે જેમાં કરોડો તિરંગા ગર્વ સાથે લહેરાશે. જોકે ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલા જૂનાગઢમાં તિરંગામાંથી તુલસીનો છોડ ઉગાડવાનો આવકારદાયક અને નવતર પ્રયાસ થયો છે. તિરંગાનો ઉપયોગ કરીને એને સન્માનપૂર્વક કૂંડામાં વાવવાથી તુલસીનો છોડ ઊગે એ રીતે તિરંગા બનાવવામાં આવ્યા છે અને જૂનાગઢમાં આવેલા ઍન્ટિક કૉઇન મ્યુઝિયમ અને સરદાર ગેટ ગૅલરીમાં આવતા પ્રવાસીઓમાં એનું ફ્રી વિતરણ કરવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
જૂનાગઢમાં આવેલા ઍન્ટિક કૉઇન મ્યુઝિયમ અને સરદાર ગેટ ગૅલરીનું સંચાલન કરતા સવાણી હેરિટેજ કન્ઝર્વેશનના જનરલ મૅનેજર રાજેશ તોતલાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઍન્ટિક કૉઇન મ્યુઝિયમ અને સરદાર ગેટ ગૅલરીમાં ૧૨ ઑગસ્ટથી આજ સુધી આવનારા તમામ વિઝિટર્સને ટિકિટની સાથે એક તિરંગો ફ્રીમાં આપવામાં આવી રહ્યો છે. આ તિરંગાની બનાવટ વિશેષ છે. તિરંગાનો ઉપયોગ કર્યા પછી એ ઉપયોગમાં આવે અને એનું સન્માન જળવાય એમ વિચારીને ઑર્ગેનિક પેપરમાંથી એ બનાવ્યો છે. આ ઑર્ગેનિક પેપરમાં તુલસીનાં પાંચ–છ બી નાખવામાં આવ્યાં છે. આજે તિરંગાનો ઉપયોગ કર્યા બાદ એને એક દિવસ પાણીમાં પલાળી રાખીને બીજા દિવસે કૂંડામાં માટી, ખાતર અને પાણી નાખીને તિરંગો એમાં વાવી દેવાનો એટલે કાગળ ઑટોમૅટિક ઓગળી જશે અને લગભગ દસેક દિવસમાં તુલસીનો છોડ ઊગશે. અમે આ ખાસ તિરંગા હસ્તકલાથી બનાવ્યા છે. અત્યાર સુધીમાં અમે ૨૦૦થી વધુ મુલાકાતીઓને આ તિરંગા ફ્રી આપ્યા છે.’
આપણી સંસ્કૃતિમાં તુલસીના છોડનું મહત્ત્વ છે ત્યારે દેશભક્તિની સાથે-સાથે પર્યાવરણ-પ્રેમને ઉજાગર કરતો આ નવતર પ્રયોગ લોકોને પણ પસંદ આવ્યો છે. મ્યુઝિયમ અને ગૅલરીમાં અપાતા આ તિરંગા જોઈને મુલાકાતીઓ પણ અચરજ પામી રહ્યા છે અને તેમણે તિરંગાનો ઉપયોગ કરીને ઘરે તુલસીનો છોડ ઉગાડવાની ખાતરી પણ આપી છે.

