ગુજરાતનાં ગામડાંઓમાંથી કલાકારોને શોધી-શોધીને મંચ પૂરો પાડનારા પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું અવસાન
જોરાવરસિંહ જાદવને ઢોલ-શરણાઈ અને લોકનૃત્ય સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી
ગુજરાતનાં ગામડાંઓમાંથી કલાકારોને શોધી-શોધીને તેમને મંચ પૂરો પાડનાર લોકસાહિત્યકાર પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું ગઈ કાલે ૮૫ વર્ષની વયે અમદાવાદમાં અવસાન થયું હતું. ઢોલ-શરણાઈના સૂરતાલ અને લોકનૃત્ય સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી.
જોરાવરસિંહ જાદવને થાઇરૉઇડની બીમારી હતી. તેમને ગઈ કાલે સારવાર માટે હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવાના હતા, પણ એ પહેલાં જ સવારે તેમણે તેમના નિવાસ્થાને અંતિમ શ્વાસ લીધો હતો.
ADVERTISEMENT
ગ્રામીણ સંસ્કૃતિને જીવંત રાખતા કલાકારોને ગામેગામથી શોધીને તેમને સ્ટેજ સુધી લઈ આવવાનું ભગીરથ કામ કલાપારખુ જોરાવરસિંહ જાદવ છેલ્લાં ઘણાં વર્ષોથી કરી રહ્યા હતા. દેવતીના ઢોલીઓ, શરણાઈવાદકો, આદિવાસી નૃત્યકારો, પપેટ બનાવતા કલાકારો, લોકવાર્તાકારોને ગામમાં કે સીમાડામાં જઈને શોધતા અને દર વર્ષે અમદાવાદમાં કાર્યક્રમ કરતા હતા. શહેરીજનો પણ ગ્રામીણ કલાકારોની કલા જોઈને દંગ રહી જતા હતા. કલાકારો માટે તેમણે ગુજરાત લોકકલા ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. આ ઉપરાંત તેમણે ઘણાં પુસ્તકો પણ લખ્યાં હતાં.


