સુરતની ફિઝિયોથેરપિસ્ટ યુવતીએ કૅફેના સોફા પર ચડીને નવમા માળેથી નીચે ઝંપલાવ્યું
રાધિકા કોટડિયા
સુરતમાં શુક્રવારે મોડી સાંજે એક ફિઝિયોથેરપિસ્ટ રાધિકા કોટડિયાએ નવમા માળેથી ઝંપલાવીને મોતને વહાલું કરી લીધું હતું. જાન્યુઆરીમાં તેનાં લગ્ન થવાનાં હતાં. તેણે કૅફેના સોફા પર ચડી નવમા માળેથી નીચે પડતું મૂકતાં પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું.
સુરતના અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ વિપુલ પટેલે મીડિયાને કહ્યું હતું કે ‘પ્રારંભિક તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે મૃત્યુ પામનાર રાધિકા કોટડિયાનાં જાન્યુઆરીમાં લગ્ન થવાનાં હતાં. જોકે કયાં કારણોસર આત્મહત્યા કરી છે એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. આ યુવતી ફિઝિયોથેરરિસ્ટ છે. જે બિલ્ડિંગમાં તેની ફિઝિયોથેરપીની નાની હૉસ્પિટલ છે એ બિલ્ડિંગના ઉપરના માળે કૅફેમાં તે ચા પીવા ગઈ હતી.’
ADVERTISEMENT
સુરતના સરથાણા વિસ્તારમાં શૉપિંગ કૉમ્પ્લેક્સના નવમા માળે આવેલી ચાય પાર્ટનર કૅફેમાં રાધિકા એકલી ચા પીવા ગઈ હતી. કહેવાય છે કે આ જ કૅફેમાં તે તેના મંગેતર સાથે પણ આવતી હતી. શુક્રવારે સાંજે રાધિકા એકલી આવી હતી અને ચાનો ઑર્ડર આપ્યો હતો. અચાનક તેણે સોફા પર ચડીને નીચે કૂદીને જીવન ટૂંકાવ્યું હતું. કૅફેના સ્ટાફનો એક કર્મચારી રુકો મૅમ, રુકો મૅમ કહીને દોડ્યો હતો, પણ એ પહેલાં જ રાધિકા નીચે પડી ચૂકી હતી. પોલીસ રાધિકાના મોબાઇલની તપાસ કરી રહી છે જેમાં રાધિકા અને તેના મંગેતર વચ્ચેની શંકાસ્પદ વૉટ્સઍપ ચૅટ સામે આવી છે. એને લઈને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


