દુલ્હાએ હૉસ્પિટલમાં લગ્નની વિધિ કરીને મુરત સાચવી લીધું
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
કેરલામાં અલાપુઝામાં અવનિ નામની એક દુલ્હન શુક્રવારે સવારે લગ્ન માટે તૈયાર થવા પાર્લર ગઈ હતી. બપોરે બારથી એકમાં તેનાં લગ્ન થવાનાં હતાં અને તૈયાર થઈને તે મંડપ આવી રહી હતી ત્યારે તેની કારનો અકસ્માત થયો. અકસ્માત એટલો મોટો હતો કે તેને તાત્કાલિક સારવારની જરૂર હતી, પરંતુ તેના જીવને કોઈ ખતરો નહોતો. ઍક્સિડન્ટની ખબર પડતાં જ તેને હૉસ્પિટલમાં લઈ જવાઈ. તેને સ્પાઇનમાં ઇન્જરી થઈ હતી અને પગે ફ્રૅક્ચર થયું હતું. એવામાં સૌને લાગતું હતું કે દુલ્હો લગ્ન પાછાં ઠેલશે, પરંતુ એવું ન થયું. દુલ્હાએ અને તેના પરિવારે નક્કી કર્યું કે હૉસ્પિટલમાં જ લગ્નની વિધિ કરીને તેઓ મુરત સાચવી લેશે. ડૉક્ટરોએ પણ તેમને મંજૂરી આપી અને હૉસ્પિટલમાં જ બેસિક લગ્નની વિધિ થઈ ગઈ. બીજી તરફ જે ઑડિટોરિયમમાં લગ્ન, ભોજન અને બીજો સમારોહ થવાનાં હતાં એ એમ જ ચાલુ રાખવામાં આવ્યાં.


