વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં બીજી સેમીકૉન ઇન્ડિયા–૨૦૨૩નો પ્રારંભ કરાવતાં આમ જણાવ્યું
નરેન્દ્ર મોદીએ સેમીકૉન ઇન્ડિયાના પ્રદર્શન એરિયાની મુલાકાત લીધી હતી અને દેશ-વિદેશની કંપનીઓએ રજૂ કરેલી તેમની પ્રોડક્ટને જોઈને એની માહિતી મેળવી હતી.
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બીજી સેમીકૉન ઇન્ડિયા–૨૦૨૩નો પ્રારંભ કરાવતાં કહ્યું કે ‘ભારત પર દુનિયાનો ભરોસો લગાતાર વધી રહ્યો છે, કેમ કે અહીં સ્ટેબલ રિસ્પૉન્સિબલ અને રિફૉર્મ ઓરિયેન્ટેડ ગવર્નમેન્ટ છે.’ તેમણે દેશ-વિદેશની કંપનીઓના વડાઓને વિશ્વાસ આપતાં કહ્યું કે ‘ભારત કોઈને નિરાશ કરતું નથી. એકવીસમી સદીના ભારતમાં તમારે માટે અવસર જ અવસર છે. ભારતની ડેમોક્રસી, ડેમોગ્રાફીથી મળનાર ડિવિડન્ડ આપના બિઝનેસને પણ ડબલ-ટ્રિપલ કરનાર છે.’
ગાંધીનગરમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ઇલેક્ટ્રૉનિક્સ તથા ઇન્ફર્મેશન અને ટેક્નૉલૉજી પ્રધાન અશ્વિની વૈષ્ણવ તેમ જ દેશ-વિદેશની કંપનીઓના ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિમાં યોજાયેલા સમારોહમાં સંબોધન કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘એક વર્ષ પહેલાં જ્યારે સેમીકૉન ઇન્ડિયાની પ્રથમ એડિશનમાં ભારતમાં સેમીકન્ડક્ટર સેક્ટરમાં કેમ ઇન્વેસ્ટ કરવું જોઈએ એવો સવાલ પુછાતો હતો. હવે એક વર્ષ પછી મળી રહ્યા છીએ તો સવાલ બદલાઈ ગયો છે. હવે કહેવાય છે કે વાય નૉટ ઇન્વેસ્ટ? આ સવાલ નથી બદલાયો, હવાની રૂખ પણ બદલાઈ છે.’
ADVERTISEMENT
તેમણે કહ્યું કે ‘ભારતને એ વાતનો એહસાસ છે કે સેમીકન્ડક્ટર ફક્ત અમારી જરૂરિયાત જ નથી, દુનિયાને પણ આજે એક ટ્રસ્ટેડ રિલાયેબલ ચિપ સપ્લાય ચેઇનની જરૂર છે. દુનિયાની સૌથી મોટી ડેમોક્રસીથી બહેતર ભલા આ ટ્રસ્ટેડ બીજું કોઈ હોઈ શકે છે. મને ખુશી છે કે ભારત પર દુનિયાનો ભરોસો લગાતાર વધી રહ્યો છે. ભારત પર ઉદ્યોગજગતને ભરોસો છે, કેમ કે આજે દરેક ક્ષેત્રમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો તેજ વિકાસ થઈ રહ્યો છે. અહીં ટેક્નૉલૉજીનો ઝડપથી વિસ્તાર થઈ રહ્યો છે. આજે ભારત પર સેમીકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીને ભરોસો છે, કેમ કે અમારી પાસે મેસિવ ટૅલન્ટ ફુલ છે, સ્કિલ એન્જિનિયર છે અને ડિઝાઇનર્સની તાકાત છે. આવો મેક ફૉર ઇન્ડિયા સાથે મેક ફૉર ધ વર્લ્ડ કરીએ.’
નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું કે ‘સેમીકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી માટે સરકારે સ્પેશ્યલ ઇન્સેન્ટિવ પણ આપ્યું. આ નિર્ણય, આ નીતિઓ એનું પ્રતિબિંબ છે કે ભારત સેમીકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી માટે રેડ કાર્પેટ પાથરી રહ્યું છે. જેમ-જેમ ભારત રિફૉર્મના રસ્તા પર આગળ વધશે, તમારા માટે વધુ નવા અવસર તૈયાર થતા જશે. સેમીકન્ડક્ટર ઇન્વેસ્ટમેન્ટ માટે ભારત એક શાનદાર કન્ડક્ટર બની રહ્યું છે.’
વડા પ્રધાને લાલ કિલ્લા પરથી કહેલી વાતને વધુ એક વખત દેશ-વિદેશની કંપનીઓના વડા સમક્ષ દોહરાવતા અંતે કહ્યું હતું કે ‘મોકો છે. આ સમય છે, સાચો સમય છે.’
ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ સેમીકૉન ઇન્ડિયાના પ્રદર્શન એરિયાની મુલાકાત લીધી હતી અને દેશ-વિદેશની કંપનીઓએ રજૂ કરેલી તેમની પ્રોડક્ટને જોઈને એની માહિતી મેળવી હતી.

