હર્ષ સંઘવીની અપીલ બાદ સુરતના શુભેચ્છકે કર્યું આવકારદાયક સદ્કાર્ય: સુરતની સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સંસ્થાને મળ્યું દાન
હર્ષ સંઘવી
ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન બન્યા બાદ હર્ષ સંઘવીએ તેમનાં શુભેચ્છા-બૅનર કે હોર્ડિંગ નહીં લગાવવાની અપીલ કર્યા બાદ સુરતના એક શુભેચ્છકે ગઈ કાલે હોર્ડિંગ-બૅનર લગાવવાને બદલે જરૂરિયાતમંદ ૩૦ લોકોની આંખની સર્જરી માટેના રૂપિયાનું દાન સુરતની સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સંસ્થાને આપ્યું હતું.
ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા બાદ હર્ષ સંઘવીએ કાર્યકરોને અને શુભેચ્છકોને અપીલ કરી હતી કે અભિનંદન અને શુભકામનાઓનાં હોર્ડિંગ્સ કે બૅનર લગાવવાને બદલે આપણી ખુશી સામાજિક સેવાઓ દ્વારા જરૂરિયાતમંદ લોકો સાથે વહેંચીએ અને તેમના જીવનમાં પણ પ્રકાશ ફેલાવીએ. હર્ષ સંઘવીની આ અપીલને સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. સુરતમાં આવેલી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સંસ્થાને એક શુભેચ્છક તરફથી દાન મળ્યું હતું. આ શુભેચ્છકે હર્ષ સંઘવીને અભિનંદન આપતાં બૅનર કે હોર્ડિંગ લગાવવાને બદલે જરૂરિયાતમંદ ૩૦ લોકોની આંખની સર્જરી કરાવવા માટેના રૂપિયા દાન કર્યા હતા. હર્ષ સંઘવીએ આ ઉમદા સદ્કાર્યને બિરદાવ્યું હતું.


