સુરતમાં ૧૩ વર્ષની બ્રેઇન-ડેડ દીકરીનાં આદિવાસી માતા-પિતાએ પુત્રીનાં કિડની-િલવરનું દાન કર્યું એ પછી નવી સિવિલ હૉસ્પિટલના ડૉક્ટરે કહ્યું...
સિવિલ હૉસ્પિટલના સ્ટાફે મનીષાનાં માતા-પિતા સહિતના પરિવારજનોની ઉપસ્થિતિમાં મનીષાને સલામી આપી હતી.
તાપી જિલ્લાના બાલદા ગામના ખેતમજૂર આદિવાસી પરિવારે માનવતા મહેકાવીને સમાજને અંગદાન માટે રાહ ચીંધ્યો : હૉસ્પિટલના સ્ટાફે દીકરીને આપી સલામી
સુરતમાં આવેલી નવી સિવિલ હૉસ્પિટલમાં ગઈ કાલે બ્રેઇન-ડેડ જાહેર થયેલી ૧૩ વર્ષની દીકરીનાં આદિવાસી માતા-પિતાએ અંગદાનનું માનવની જિંદગીમાં કેટલું મહત્ત્વ છે એની ખબર પડતાં દીકરીનાં અંગોનું દાન કર્યું હતું. તાપી જિલ્લાના બાલદા ગામના ખેતમજૂર આદિવાસી પરિવારે માનવતા મહેકાવી સમાજને અંગદાન માટે રાહ ચીંધ્યો અને દીકરીની બે કિડની અને લિવરનું અંગદાન કર્યું હતું. આ અંગદાનની મદદથી જરૂરિયાતમંદ ત્રણ દરદીઓને નવજીવન મળશે. નવી સિવિલ હૉસ્પિટલના ડૉક્ટર સહિતના સ્ટાફે આ દીકરીને સલામી આપીને, પુષ્પાંજલિ કરીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
ADVERTISEMENT
બ્રેઇન-ડેડ જાહેર થયેલી મનીષા.
સુરતની નવી સિવિલ હૉસ્પિટલના રેસિડન્ટ મેડિકલ ઑફિસર (RMO) ડૉ. કેતન નાયકે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘મનીષાને બ્રેઇન-ડેડ જાહેર કર્યા બાદ મારા સહિત સ્ટેટ ઑર્ગન ઍન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઑર્ગેનાઇઝેશન (SOTTO)ની ટીમના સભ્યોએ મનીષાનાં માતા-પિતાને અંગદાન માટે સમજાવ્યાં હતાં, જેથી તેના પિતાને એમ થયું હતું કે જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતી કોઈ વ્યક્તિનું જીવન મારી દીકરીનાં અંગોથી બચી શકે તો અંગદાન કેમ ન કરવું? એમ વિચારીને પિતા સહિત આખા પરિવારે મનીષાનાં અંગોનું દાન કરવા સંમતિ આપી હતી, જેના કારણે બે કિડની અને લિવર અમદાવાદની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. પહેલાં સિવિલ હૉસ્પિટલમાં આવતા દરદીઓનાં સગાંઓ અંગદાન વિશે સંમતિ આપતાં નહોતાં, પણ હવે અંગદાન માટે જાગૃતિ આવી છે એટલે અંગદાન કરતાં થયાં છે અને એમાં ભણેલા કરતાં ઓછું ભણેલા લોકોને સમજાવવાનું સહેલું છે. તેઓ અંગદાનનું મહત્ત્વ સમજીને અન્ય લોકોને મદદરૂપ થવા તૈયાર થઈ જાય છે.’
તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના બાલદા ગામે આદિવાસી ફળિયામાં રહેતા અને ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાત ચલાવતા અનિલ જરિયા ઠાકરેની ૧૩ વર્ષની દીકરી મનીષાને ૨૦ જૂને તાવ, લોહીનું ઓછું પ્રમાણ અને માથાના દુખાવાની ફરિયાદના પગલે પરિવાર દીકરીને નજીકના દવાખાને લઈ ગયો હતો. જોકે તેની તબિયત ગંભીર હોવાથી તેને નંદુરબારની પ્રાઇવેટ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવી હતી જ્યાં CT સ્કૅનમાં માથાના પાછળના ભાગમાં ગાંઠ હોવાનું જણાયું હતું. એથી વધુ સારવાર માટે ૨૬ જૂને તેને સુરતની નવી સિવિલ હૉસ્પિટલમાં લાવવામાં આવી હતી જ્યાં ICUમાં ઍડ્મિટ કરીને સારવાર શરૂ કરાઈ હતી. ગઈ કાલે ન્યુરોલૉજિસ્ટ અને ન્યુરોસર્જનની ટીમે મનીષાને બ્રેઇન-ડેડ જાહેર કરી હતી.

