ભારે પવનથી અમદાવાદમાં ૨૩ વૃક્ષો ઊખડી ગયાં : ગુજરાતના ૫૩ તાલુકાઓમાં પડ્યો દોઢ ઇંચથી એક મિલીમીટર વરસાદ: શિહોરમાં દોઢ ઇંચ અને ભાવનગરમાં એક ઇંચથી વધુ કમોસમી વરસાદ પડ્યો
અમદાવાદમાં પવન ફૂંકાતાં કચરો ઊડતો જોવા મળ્યો હતો, અમદાવાદના નરોડા વિસ્તારમાં વૃક્ષ ઊખડી ગયું હતું.
ગુજરાતમાં ગઈ કાલે સમી સાંજે ભરઉનાળે જાણે ચોમાસું જામ્યું હોય એમ ગુજરાતના ૫૩ તાલુકાઓમાં દોઢ ઇંચથી એક મિલીમીટર જેટલો વરસાદ વરસ્યો હતો જેમાં શિહોર તાલુકામાં દોઢ ઇંચ અને ભાવનગર તાલુકામાં એક ઇંચથી વધુ કમોસમી વરસાદ પડ્યો હતો. એટલું જ નહીં, વીજળીના ચમકારા સાથે અને મિની વાવાઝોડા સાથે વરસાદ ખાબકતાં લોકો પરેશાનીમાં મુકાઈ ગયા હતા. બીજી તરફ કમોસમી વરસાદને પગલે ખેતરોમાં ઊભા પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં ફેલાઈ હતી.
અમદાવાદના અનેક વિસ્તારોમાં સમી સાંજે જોરદાર પવન ફૂંકાયો હતો અને ધૂળની ડમરીઓ ઊડવા માંડી હતી. મિની વાવાઝોડું ફૂંકાયું હોય એવી અનુભૂતિ શહેરીજનોએ કરી હતી. અચાનક વાતાવરણમાં આવેલા પલટાને કારણે વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આકાશમાં વીજળીના ચમકારા અને વાદળના ગડગડાટ સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ભારે પવન ફૂંકાતાં શહેરમાં ૨૩ વૃક્ષો ઊખડી ગયાં હતાં.
ADVERTISEMENT
અમદાવાદ, રાજકોટ, ભાવનગર, વડોદરા, આણંદ, ખંભાત, નડિયાદ, ખેડા, ઠાસર, ભાભર દિયોદર, સુઈગામ સહિત બનાસકાંઠા જિલ્લામાં તેમ જ ગુજરાતના અનેક વિસ્તારોમાં ક્યાંક કરા પડ્યા હતો તો ક્યાંક વીજળી ચમકી હતી અને ક્યાંક ધૂળની ડમરીઓ ઊડવાની સાથે મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો અને કમોસમી વરસાદ ખાબક્યો હતો.
માણસા, નડિયાદ, વડોદરા, દિયોદર, સોજિત્રા, કપડવંજ, વસો, ધોળકા, તારાપુર, બરવાળા, ભાભર તાલુકાઓમાં અડધા ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. એ ઉપરાંત મહેમદાવાદ, બાયડ, ચોટીલા, લાખણી, આણંદ, રાણપર, બોટાદ, ઉમરેઠ, ખેડા, માતર, પાદરા, હાંસોટ, વલભીપુર, ગાંધીનગર, પેટલાદ સહિત ગુજરાતમાં ઠેકઠેકાણે વરસાદ પડ્યો હતો.
કમોસમી વરસાદને પગલે બાજરી, મગફળી, જુવાર સહિતના પાકોને નુકસાન થયું હોવાની દહેશત ખેડૂતોએ વ્યક્ત કરી છે.

