અમદાવાદ પોણાબે ઇંચ જેટલા વરસાદમાં જળબંબાકાર : બપોરે ચાર વાગ્યા સુધીમાં ગુજરાતના ૧૬૧ તાલુકામાં પડ્યો કમોસમી વરસાદ : વરસાદના કારણે ખેડૂતોની માઠી દશા : ખંભાત તાલુકામાં ચાર ઇંચ અને ભાવનગર તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો : હજી પણ ચાર દિવસ થશે માવઠું
અમદાવાદમાં પડેલા વરસાદના પગલે વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે તકલીફ વેઠવાનો વારો આવ્યો હતો.
ગુજરાતમાં ગઈ કાલે સતત ત્રીજા દિવસે પણ આફતનો કમોસમી વરસાદ પડ્યો હતો. ચોમાસાને પણ શરમાવે એવા આ કમોસમી વરસાદના કારણે ગુજરાતના નાગરિકોને પારાવાર હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો, જ્યારે ખેતીપાકને નુકસાન થતાં ખેડૂતોની માઠી દશા બેસવા સાથે કફોડી સ્થિતિ સર્જાઈ છે. આટલું ઓછું હોય એમ આજથી ચાર દિવસ સુધી કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
અમદાવાદમાં આવેલા મકરબા અન્ડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જતાં એ બંધ કરાયો હતો.
ADVERTISEMENT
ગઈ કાલે વહેલી સવારથી અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. સાંજે ચાર વાગ્યા સુધીમાં પોણાબે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે મીઠાખળી અન્ડરપાસ, પરિમલ અન્ડરપાસ, મકરબા વસ્ત્રાપુર ક્રૉસિંગ અન્ડરપાસ, મકરબા તળાવ અન્ડરપાસ અને મકરબા ગામ પાસેના અન્ડરપાસમાં પાણી ભરાઈ જતાં સલામતી માટે આ તમામ અન્ડપાસ બંધ કરાયા હતા અને વરસાદી પાણી ઊતરી ગયા પછી પુનઃ ચાલુ કરાયા હતા. ભારે વરસાદના પગલે ૨૯ વૃક્ષ ઊખડી ગયાં હતાં જ્યારે ૧૧૮ સ્થળોએ વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં.
ભારે વરસાદના પગલે ડાંગના વઘઈ–આહવા માર્ગ પર વૃક્ષ ધરાશાયી થઈ જતાં વાહનચાલકો અટવાયા હતા. જોકે બુલડોઝરથી રસ્તા પર પડેલાં વૃક્ષો હટાવીને માર્ગ ખુલ્લો કરાયો હતો.
ગઈ કાલે બપોરે ચાર વાગ્યા સુધીમાં ગુજરાતના ૧૬૧ તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો જેમાં સૌથી વધુ ખંભાત તાલુકામાં ચાર ઇંચથી વધુ પડ્યો હતો, જ્યારે ભાવનગર તાલુકામાં ત્રણ ઇંચ જેટલો. આ ઉપરાંત બાવળા, વડોદરા અને બોરસદમાં પોણાત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. ગુજરાતના આઠ તાલુકામાં બે ઇંચથી વધુ જ્યારે બાવન તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.
આજે પવન ફૂંકાવા સાથે સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર, નર્મદા, સુરત, નવસારી, તાપી, ભરૂચ, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મોરબી, દ્વારકા, બોટાદ અને દીવમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

