ડોનલ્ડ ટ્રમ્પે નિર્ણયને નકારી કાઢ્યો અને કહ્યું કે હમણાં ટૅરિફ યથાવત્ રહેશે, આ નિર્ણય તો અમેરિકાનો નાશ કરશે, અમે સુપ્રીમમાં જઈને ઉપાય કાઢીશું
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના રાજકારણ અને અર્થતંત્રમાં ખળભળાટ મચાવતાં એક અપીલ કોર્ટે શુક્રવારે પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પની મોટા ભાગની ટૅરિફને ગેરકાયદે જાહેર કરી હતી. ફેડરલ સર્કિટ માટે યુએસ કોર્ટ ઑફ અપીલ્સે કહ્યું હતું કે પ્રેસિડન્ટ પાસે કટોકટીની સત્તા છે, પરંતુ તેમને ટૅરિફ અથવા કર લાદવાનો અધિકાર નથી.
આ નિર્ણય ટ્રમ્પની આર્થિક નીતિઓ માટે મોટો ફટકો માનવામાં આવે છે. કોર્ટે ટૅરિફને ૧૪ ઑક્ટોબર સુધી યથાવત્ રાખવાની મંજૂરી આપી હોવાથી ટ્રમ્પ વહીવટી તંત્રને આ મામલો સુપ્રીમ કોર્ટમાં લઈ જવાની તક મળી છે.
ADVERTISEMENT
બીજી તરફ પ્રેસિડન્ટ ટ્રમ્પે કોર્ટના આદેશને નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે તમામ ટૅરિફ અમલમાં રહેશે. તેમણે કોર્ટના નિર્ણયને ખોટો અને પક્ષપાતી ગણાવ્યો હતો અને કહ્યું હતું કે ‘જો એને આ રીતે રહેવા દેવામાં આવશે તો આ નિર્ણય અમેરિકાનો નાશ કરશે. અમે સુપ્રીમ કોર્ટની મદદથી અમારા રાષ્ટ્રના હિતમાં ટૅરિફનો ઉપયોગ કરીશું.’
ટ્રમ્પે કોર્ટને પક્ષપાતી ગણાવી
ટ્રમ્પે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશ્યલ પર લખ્યું હતું કે ‘બધી ટૅરિફ હજી પણ લાગુ છે. અપીલ કોર્ટે અત્યંત પક્ષપાતી નિર્ણય લીધો છે. જોકે અંતે અમેરિકા જીતશે. જો આ ટૅરિફ ક્યારેય દૂર કરવામાં આવે છે તો એ દેશ માટે એક મોટી આફત હશે.’
ટ્રમ્પે પોતાના નિવેદનમાં અન્ય દેશો દ્વારા લાદવામાં આવેલી વેપારખાધ અને અન્યાયી ટૅરિફનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે લખ્યું હતું કે ‘યુનાઇટેડ સ્ટેટ્સ હવે વિશાળ વેપારખાધ અને અન્યાયી ટૅરિફ અને નૉન-ટૅરિફ વેપાર-અવરોધોને સહન કરશે નહીં જે અન્ય દેશો, મિત્ર કે શત્રુ દ્વારા લાદવામાં આવે છે; જે આપણા ઉત્પાદકો, ખેડૂતો અને બીજા બધાને નબળા પાડે છે. જો આને રહેવા દેવામાં આવે તો આ નિર્ણય અમેરિકાનો નાશ કરશે.’
કટોકટીની સત્તા એટલે ટૅરિફ લાદવાની સત્તા નહીં
યુએસ અપીલ કોર્ટે શુક્રવારે કહ્યું હતું કે ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલી મોટા ભાગની ટૅરિફ ગેરકાયદે છે. વૉશિંગ્ટનસ્થિત યુએસ કોર્ટ ઑફ અપીલ્સ ફૉર ધ ફેડરલ સર્કિટે કહ્યું હતું કે ‘રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા પછી કાયદો પ્રેસિડન્ટને અનેક પગલાં લેવાની સત્તા આપે છે, પરંતુ આમાં ક્યાંય ટૅરિફ અથવા કર લાદવાની પરવાનગીનો ઉલ્લેખ નથી. કટોકટીની સત્તા એ ગમે એટલી ટૅરિફ કે કર લાદવાની સત્તા નથી.’
આ નિર્ણય એપ્રિલમાં લાદવામાં આવેલી પારસ્પરિક ટૅરિફ અને ફેબ્રુઆરીમાં ચીન, કૅનેડા અને મેક્સિકો પર લાદવામાં આવેલી ટૅરિફ સાથે સંબંધિત છે. જોકે આ નિર્ણય ટ્રમ્પની અન્ય કાનૂની જોગવાઈઓ (જેમ કે સ્ટીલ અને ઍલ્યુમિનિયમ પર લાદવામાં આવેલી ટૅરિફ) હેઠળ જાહેર કરાયેલી ટૅરિફને અસર કરશે નહીં.
ટ્રમ્પ પ્રશાસને કટોકટીની સત્તાનો કર્યો ઉલ્લેખ
કોર્ટમાં ટ્રમ્પ વહીવટી તંત્રે એના નિર્ણયોના આધાર તરીકે ઇન્ટરનૅશનલ ઇમર્જન્સી ઇકૉનૉમિક પાવર્સ ઍક્ટ (IEEPA)નો ઉલ્લેખ કર્યો હતો. ૧૯૭૭નો આ કાયદો પ્રેસિડન્ટને અસામાન્ય અને અસાધારણ ખતરાનો સામનો કરવા માટે કટોકટીમાં પગલાં લેવાની સત્તા આપે છે. અગાઉ એનો ઉપયોગ દુશ્મન દેશો પર પ્રતિબંધો લાદવા અથવા એમની સંપત્તિ જપ્ત કરવા માટે થતો હતો.
ટ્રમ્પ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ છે જેમણે IEEPAનો ઉપયોગ કરીને ટૅરિફ લગાવી છે. તેમની દલીલ છે કે સતત વધતી જતી વેપારખાધ, અમેરિકન ઉત્પાદનોમાં નબળાઈ અને ડ્રગ્સની હેરફેર દેશ માટે ખતરો છે. આ આધારે તેમણે ચીન, કૅનેડા અને મેક્સિકો પર ટૅરિફ લગાવી દીધી હતી અને કહ્યું હતું કે આ દેશો ગેરકાયદે ફેન્ટાનાઇલની દાણચોરી રોકવામાં નિષ્ફળ રહ્યા છે.
જોકે કોર્ટે કહ્યું હતું કે IEEPA બનાવતી વખતે કૉન્ગ્રેસનો ઇરાદો પ્રેસિડન્ટને અમર્યાદિત ટૅરિફ લાદવાની સત્તા આપવાનો નહોતો. બંધારણ મુજબ કર અને ડ્યુટી લાદવાની સત્તા કૉન્ગ્રેસ પાસે છે.
ટૅરિફ ગેરકાયદે, હવે શું કરશે ડોનલ્ડ ટ્રમ્પ?
અમેરિકાના એ કયા બે કાયદા છે જેના શરણે જઈ શકે છે પ્રેસિડન્ટ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પની મોટા ભાગની ટૅરિફને ગેરકાયદે જાહેર કરીને US કોર્ટ ઑફ અપીલ્સે કહ્યું હતું કે પ્રેસિડન્ટ પાસે કટોકટીની સત્તા છે, પરંતુ તેમને ટૅરિફ અથવા કર લાદવાનો અધિકાર નથી. જોકે કોર્ટે ટૅરિફને ૧૪ ઑક્ટોબર સુધી યથાવત્ રાખવાની મંજૂરી આપી હતી. પ્રેસિડન્ટ ટ્રમ્પે આ લડાઈને સુપ્રીમ કોર્ટ સુધી લઈ જવાની જાહેરાત કરી છે.
હવે અમેરિકાના પ્રેસિડન્ટ પાસે ટૅરિફ લાદવા માટે વૈકલ્પિક કાયદા છે, પરંતુ એની મર્યાદાઓ છે. ૧૯૭૪ના ટ્રેડ ઍક્ટમાં ટૅરિફ ૧૫ ટકા સુધી મર્યાદિત છે, જે ફક્ત ૧૫૦ દિવસ માટે એવા દેશો પર લાગુ કરી શકાય છે જેમની સાથે અમેરિકાની વેપારખાધ મોટી છે. ટૅરિફ લાદવા માટે ટ્રમ્પ ૧૯૬૨ના ટ્રેડ એક્સપાન્શન ઍક્ટનો પણ ઉપયોગ કરી શકે છે. આ કાયદાની કલમ ૨૩૨ હેઠળ ટ્રમ્પે વિદેશી સ્ટીલ, ઍલ્યુમિનિયમ અને ઑટો પર ટૅરિફ લાદી દીધી હતી. જોકે આ કલમ પ્રેસિડન્ટ પોતાની વિવેકબુદ્ધિથી લગાવી શકતા નથી. એમાં કૉમર્સ ડિપાર્ટમેન્ટનું ઇન્વેસ્ટિગેશન જરૂરી છે.
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ
ટ્રમ્પના સ્વાસ્થ્ય અંગે ચિંતાઓ વચ્ચે છેલ્લા બે દિવસથી તેઓ જાહેરમાં દેખાયા ન હોવાથી ડોનલ્ડ ટ્રમ્પ ક્યાં છે? એવો સવાલ પુછાઈ રહ્યો હતો. ૭૯ વર્ષના પ્રેસિડન્ટે ૨૮ ઑગસ્ટ પછી એક પણ જાહેર કાર્યક્રમમાં હાજરી આપી નથી અને ૩૧ ઑગસ્ટ સુધી કોઈ જાહેર કાર્યક્રમોમાં હાજરી આપવાના નથી. એવી ચર્ચાઓ થઈ રહી હતી કે અમેરિકન પ્રેસિડન્ટ જાહેર નજરોથી ‘ગુમ’ થઈ ગયા છે. જોકે આ અટકળો મોટા ભાગે અનામી સોશ્યલ મીડિયા હૅન્ડલ્સ દ્વારા ચલાવવામાં આવી રહી હતી. આ બાબતે વાઇટ હાઉસે કોઈ કમેન્ટ કરી નહોતી. અલબત્ત, ટ્રમ્પ કોઈ જાહેર કાર્યક્રમમાં નહોતા દેખાયા, પણ તેઓ ઑનલાઇન ટ્રુથ સોશ્યલ પોસ્ટ્સ દ્વારા ખૂબ સક્રિય રહ્યા હતા.
જોકે સમાચાર એવા પણ હતા કે ડોનલ્ડ ટ્રમ્પે જાહેર કાર્યક્રમોમાં ન આવવાનું એક કારણ નૉર્થ અમેરિકામાં લેબર ડે નિમિત્તેનો લૉગ વીક-એન્ડ હોઈ શકે છે. અહીં લેબર ડે પહેલી સપ્ટેમ્બરે ઊજવવામાં આવશે. ટ્રમ્પ ઑગસ્ટનાં છેલ્લાં બે અઠવાડિયાં માટે તેમના બેડમિન્સ્ટર, ન્યુ જર્સી રિસૉર્ટમાં રહેવાના હતા, પરંતુ છેક છેલ્લી ઘડીએ તેમની યોજના રદ કરી હતી.

