આજે દુનિયા અરાજક અને જટિલ ફેરફારોમાંથી પસાર થઈ રહી છે અને આવા સમયે કોલ્ડ વૉરની માનસિકતા અને જૂથબંધીના રાજકારણનો વિરોધ કરવો જોઈએ.
શી જિનપિંગ
ચીનના તિયાનજિનમાં યોજાયેલી શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ પર સીધો હુમલો કર્યો છે અને વર્તમાન આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં ગુંડાગીરીભર્યા વર્તનની કડક ટીકા કરી છે. સમિટમાં બોલતાં શી જિનપિંગે કહ્યું હતું કે આજે દુનિયા અરાજક અને જટિલ ફેરફારોમાંથી પસાર થઈ રહી છે અને આવા સમયે કોલ્ડ વૉરની માનસિકતા અને જૂથબંધીના રાજકારણનો વિરોધ કરવો જોઈએ.
SCO સમિટમાં બોલતાં શી જિનપિંગે તેમના ભાષણમાં રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત SCO નેતાઓને નિષ્પક્ષતા અને ન્યાયનું પાલન કરવા, કોલ્ડ વૉરની માનસિકતા, જૂથબાજી અને ધમકાવવા જેવા વર્તનનો વિરોધ કરવા હાકલ કરી હતી. આ દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું કે ચીન એક એવી વૈશ્વિક વ્યવસ્થાની હિમાયત કરી રહ્યું છે જેમાં કોઈ એક દેશનું વર્ચસ્વ ન હોય પરંતુ બહુપક્ષીયતા અને સહિયારી સુરક્ષા માર્ગદર્શક સિદ્ધાંતો હોય.

