પાંચ દિવસની શોધખોળ પછી હેલિકૉપ્ટર સર્ચમાં અકસ્માતગ્રસ્ત કાર અને મૃતદેહ મળ્યાં
૮૯ વર્ષના ડૉ. કિશોર દીવાન, ૮૫ વર્ષનાં આશા દીવાન, ૮૬ વર્ષના શૈલેશ દીવાન અને ૮૪ વર્ષનાં ગીતા દીવાન
ન્યુ યૉર્કથી પેન્સિલ્વેનિયાની રોડ-ટ્રિપ દરમ્યાન ભારતીય મૂળના ચાર સિનિયર સિટિઝન છેલ્લા પાંચ દિવસથી ગુમ થઈ ગયા હતા. તેમને શોધી કાઢવા માટે અમેરિકન અધિકારીઓ દ્વારા સઘન શોધખોળ શરૂ કરી હતી. લાંબી શોધખોળ બાદ પોલીસને ગઈ કાલે તેમની અકસ્માતગ્રસ્ત કાર અને મૃતદેહ મળ્યાં હતાં. મૃતકોની ૮૯ વર્ષના ડૉ. કિશોર દીવાન, ૮૫ વર્ષનાં આશા દીવાન, ૮૬ વર્ષના શૈલેશ દીવાન અને ૮૪ વર્ષનાં ગીતા દીવાન તરીકે ઓળખ થઈ હતી. તેઓ છેલ્લે ૨૯ જુલાઈએ પેન્સિલ્વેનિયાનામાં બર્ગર કિંગ આઉટલેટમાં જોવા મળ્યાં હતાં. તેમણે છેલ્લો ક્રેડિટ કાર્ડ વ્યવહાર પણ એ સ્થળે કર્યો હતો. આ ચારેય વ્યક્તિ માર્શલ કાઉન્ટીમાં આવેલી ઇસ્કૉનની આધ્યાત્મિક સંસ્થા પૅલેસ ઑફ ગોલ્ડ તરફ જઈ રહ્યાં હતાં. તેઓ ત્યાં રાત્રિરોકાણ કરવાનાં હતાં. જોકે પોલીસે પુષ્ટિ કરી હતી કે આ ગ્રુપે ત્યાં ચેક-ઇન કર્યું નહોતું. પાંચ દિવસની શોધખોળ બાદ હેલિકૉપ્ટર-સર્ચમાં તેમની અકસ્માતગ્રસ્ત કાર મળી હતી, જેમાં ચારેય વ્યક્તિ મૃત્યુ પામી હતી.

