ITBPના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે તેમણે એક જ મિશનમાં બે આટલાં ઊંચાં શિખરો પર ચડાણ કર્યું હતું. આ તેમની ઊંચાઈવાળા વિસ્તારોમાં કામ કરવાની પ્રચંડ ક્ષમતાનો પુરાવો છે.
માઉન્ટ મકાલુ પર ITBPની ટીમ.
ઇન્ડો-તિબેટિયન બૉર્ડર પોલીસ (ITBP)એ ઇતિહાસ રચ્યો છે. એ વિશ્વના પાંચમા ક્રમાંકના સૌથી ઊંચા શિખર માઉન્ટ મકાલુ (૮૪૮૫ મીટર ઊંચો) પર ચડનાર પ્રથમ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) બની છે. ITBPની ટીમે ૧૯ એપ્રિલે આ શિખર પર વિજય મેળવ્યો હતો અને CAPFએ ગઈ કાલે આ જાણકારી આપી હતી.
આ ચડાણ ITBPના એક ખાસ આંતરરાષ્ટ્રીય પર્વતારોહણ અભિયાનનો ભાગ હતું, જેમાં તેમણે માઉન્ટ મકાલુ અને માઉન્ટ અન્નપૂર્ણા (૮૦૯૧ મીટર ઊંચો) બન્ને પર ચડવાનું હતું. ITBPના આ પર્વતારોહણ અભિયાનને ૨૧ માર્ચે નવી દિલ્હીસ્થિત ITBP મુખ્યાલયથી લીલી ઝંડી આપવામાં આવી હતી. ITBPના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે તેમણે એક જ મિશનમાં બે આટલાં ઊંચાં શિખરો પર ચડાણ કર્યું હતું. આ તેમની ઊંચાઈવાળા વિસ્તારોમાં કામ કરવાની પ્રચંડ ક્ષમતાનો પુરાવો છે.
ADVERTISEMENT
૧૨ સભ્યોની ટીમ
૧૨ સભ્યોની આ અભિયાન-ટીમનું નેતૃત્વ ડેપ્યુટી કમાન્ડન્ટ અનુપ કુમાર નેગી અને ડેપ્યુટી કમાન્ડન્ટ નિહાસ સુરેશ કરી રહ્યા હતા. ટીમને મકાલુ અને અન્નપૂર્ણાના છ-છ પર્વતારોહકનાં બે જૂથોમાં વહેંચવામાં આવી હતી. મકાલુ ગ્રુપે શિખર પર પહોંચવામાં ૮૩ ટકા સફળતા દર નોંધાવ્યો હતો. આ જૂથના પાંચ પર્વતારોહકો ૧૯ એપ્રિલે સવારે ૮.૧૫ વાગ્યે મકાલુના શિખર પર પહોંચ્યા હતા. આ પર્વતારોહકોમાં અસિસ્ટન્ટ કમાન્ડન્ટ સંજય કુમાર, હેડ કૉન્સ્ટેબલ (HC) સોનમ સ્તોબદાન, HC પ્રદીપ પંવાર, HC બહાદુર ચંદ અને કૉન્સ્ટેબલ વિમલ કુમારનો સમાવેશ થાય છે.
અન્નપૂર્ણા જૂથે બરફવર્ષા અને મુશ્કેલ હવામાન પરિસ્થિતિઓનો સામનો કર્યો અને એ જ દિવસે બપોરે ૨.૪૫ વાગ્યે ૭૯૪૦ મીટરની ઊંચાઈ સર કરી હતી અને પછી સુરક્ષિત રીતે પાછું ફર્યું હતું. આ ગ્રુપ શિખર પર પહોંચવાથી માત્ર ૧૫૦ મીટર દૂર રહ્યું હતું.
૧૪માંથી ૬ પર્વતો કર્યા સર
માઉન્ટ મકાલુ પર સફળ ચડાણ સાથે ITBP હવે વિશ્વના ૮૦૦૦ મીટરથી ઊંચા ૧૪ પર્વતોમાંથી ૬ પર ચડાણ કરી ચૂકી છે. આમાં માઉન્ટ એવરેસ્ટ, માઉન્ટ કાંચનજંઘા, માઉન્ટ ધૌલાગિરિ, માઉન્ટ લ્હોત્સે અને માઉન્ટ માનસલુનો સમાવેશ થાય છે. આ દળે અત્યાર સુધીમાં કુલ ૨૨૯ શિખરો પર વિજય મેળવ્યો છે.
૧૫૦ કિલો કચરો લેતા આવ્યા
બેઉ ટીમોએ ‘સ્વચ્છ હિમાલય, બચાવો ગ્લૅસિયર’ અભિયાન હેઠળ ઊંચાઈવાળી શિબિરોમાંથી ૧૫૦ કિલો કચરો એકત્રિત કર્યો હતો અને એને સાથે નીચે લઈ આવ્યા હતા.

