રશિયાએ યુક્રેનના સૌથી મોટા જહાજને મરીન ડ્રોનથી ઉડાવી દીધું
રશિયાએ યુક્રેનના સૌથી મોટા યુદ્ધજહાજને મરીન ડ્રોનથી ઉડાવી દીધું હતું. આ હુમલાના વિડિયોમાં સ્પષ્ટ દેખાયું હતું કે વિશાળ જહાજ ગણતરીની પળોમાં નાશ પામ્યું હતું.
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા લશ્કરી સંઘર્ષમાં રશિયાએ ગુરુવારે યુક્રેન નૌકાદળના જાસૂસી જહાજ સિમ્ફેરોપોલ પર મરીન ડ્રોનથી હુમલો કર્યો હતો. આ હુમલામાં જહાજ સંપૂર્ણ નષ્ટ થઈ ગયું હતું. આ યુક્રેનનું સૌથી મોટું નૌકાદળ જહાજ હતું અને એના ડૂબવાથી બન્ને દેશો વચ્ચેના સંઘર્ષની ગંભીરતા વધી ગઈ છે. સિમ્ફેરોપોલને ડેન્યુબ નદી ડેલ્ટામાં નિશાન બનાવવામાં આવ્યું હતું. રશિયાની સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે આ હુમલો યુક્રેનના નૌકાદળના જહાજ પર મરીન ડ્રોનના પ્રથમ સફળ ઉપયોગ તરીકે રેકૉર્ડ કરવામાં આવ્યો હતો. આનો અર્થ એ થયો કે યુદ્ધના આધુનિક તકનીકી પરિમાણમાં દરિયાઈ ડ્રોનની ભૂમિકા ઝડપથી વધી રહી છે.
યુક્રેનના અધિકારીઓએ પણ આ હુમલાની પુષ્ટિ કરી હતી. નૌકાદળના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘હુમલા પછી બચાવ અને રાહતકામગીરી ચાલી રહી છે. મોટા ભાગના ક્રૂ સુરક્ષિત છે, પરંતુ કેટલાક ખલાસીઓ હજી પણ ગુમ છે. એક ખલાસીનું મોત થયું હતું, જ્યારે ઘણા અન્ય ઘાયલ થયા હતા. રાહતકામગીરી અને ગુમ થયેલા ખલાસીઓની શોધ ચાલુ છે.’
ADVERTISEMENT
સિમ્ફેરોપોલ જહાજ ૨૦૧૯માં લૉન્ચ કરવામાં આવ્યું હતું અને ૨૦૨૧માં યુક્રેનિયન નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું.

