ગુરપ્રીત સિંહ રસ્તાની વચ્ચોવચ તલવાર જેવી છડી ઉલાળીને લોકોને ડરાવી રહ્યો હતો, પોલીસનો આદેશ ન માનતાં ફાયરિંગમાં જીવ ગુમાવ્યો
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
અમેરિકાના લૉસ ઍન્જલસ શહેરમાં ૧૩ જુલાઈએ ક્રિપ્ટોડૉટકૉમ અરીના પાસે બનેલી એક ઘટનાનો વિડિયો છેક હવે સામે આવ્યો છે. આ વિડિયોમાં ૩૫ વર્ષના સિખ યુવક ગુરપ્રીત સિંહને પોલીસે ગોળી મારી દીધી હતી. વિડિયોમાં દેખાય છે કે રસ્તાની વચ્ચોવચ ગુરપ્રીત સિંહ પરંપરાગત સિખ માર્શલ આર્ટ ગટકા રજૂ કરી રહ્યો છે. આ વિશે કેટલાક લોકોએ પોલીસને ફોન કરીને જાણ કરી હતી કે એક વ્યક્તિ તલવાર જેવી મોટી લાકડી (માછે) રસ્તામાં ઉલાળી રહી છે અને તે રસ્તા પરથી પસાર લોકોને હેરાન કરી રહી છે તથા ધમકાવી રહી છે.
પોલીસે જણાવ્યા અનુસાર ગુરપ્રીત પોતાની કાર રસ્તાની વચ્ચે છોડી ગયો હતો અને માછે લહેરાવતી વખતે પોતાની જીભ કાપવાનો પણ પ્રયાસ કર્યો હતો. પોલીસ અધિકારીઓએ તેને ઘણી વાર હથિયાર છોડી દેવાનો આદેશ આપ્યો હતો, પરંતુ ગુરપ્રીત સિંહે એનું પાલન કર્યું નહોતું. પછી તે પોતાની કાર પાસે પાછો ગયો હતો અને પોલીસ પર પાણીની બૉટલ ફેંકી હતી. ત્યાંથી તે ગાડી ચલાવીને ભાગી ગયો હતો. પીછો કરતી વખતે તેણે પોલીસના વાહનને પણ ટક્કર મારી હતી.
ADVERTISEMENT
પોલીસે જણાવ્યા અનુસાર જ્યારે કાર આગળ જઈને રોકાઈ ત્યારે ગુરપ્રીત હાથમાં હથિયાર લઈને પોલીસની તરફ આગળ વધ્યો હતો એ સમયે પોલીસે ગોળીબાર કર્યો હતો, જેનાથી ગંભીર રીતે ઘાયલ ગુરપ્રીત સિંહને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેનું મૃત્યુ થયું હતું.

