વેનેઝુએલામાં ડ્રગ્સનું સ્મગલિંગ રોકવાના બહાને દરિયામાં સૌથી મોટું ઍરક્રાફ્ટ કૅરિયર, ૫૦૦૦ સૈનિકો અને ૭૫ ફાઇટર જેટ્સ તહેનાત કરી દીધાં: ગમે ત્યારે હુમલો કરીને યુદ્ધ છેડી શકે છે અમેરિકા
કૅરિબિયન સમુદ્રમાં અમેરિકાનું યુદ્ધજહાજ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા સાથે વધી રહેલા તનાવને પગલે સાગરમાં અમેરિકાની સેનાને મોટી સંખ્યામાં તહેનાત કરવાનું શરૂ કરી દીધું છે. વિશ્વભરમાં ૭ યુદ્ધ બંધ કરાવવાનું શ્રેય લેનારા ડોનલ્ડ ટ્રમ્પ પોતે યુદ્ધની તૈયારીઓ કરી રહ્યા છે. કૅરિબિયન સમુદ્રમાં તહેનાત કરવામાં આવેલા મોટા ઍરક્રાફ્ટ કૅરિયરમાં ૫૦૦૦ સૈનિકો અને ૭૫ ફાઇટર જેટ્સ મોકલવામાં આવ્યાં છે. એમાં F-35 સ્ટેલ્થ જેટ, એક ન્યુક્લિયર સબમરીન, ૮ ઍડિશનલ વૉરશિપ્સ અને અત્યાધુનિક હથિયારો સામેલ છે. અમેરિકા ભલે આ અભિયાનને ડ્રગ્સની તસ્કરીને રોકવાનું અભિયાન ગણાવી રહ્યું હોય, પરંતુ જે સ્તરની તૈયારી થઈ રહી છે એ કોઈ મોટા હુમલાની તૈયારી સમાન છે. શુક્રવારે ડોનલ્ડ ટ્રમ્પે ખુદ માહિતી આપી હતી કે તેમણે ઍરક્રાફ્ટ કૅરિયર ગેરાલ્ડ ફોર્ડને તહેનાત કર્યું છે, કેમ કે તેઓ વેનેઝુએલામાં થતી ડ્રગ્સની હેરાફેરીને રોકવા માગે છે. જોકે જે સ્તરનાં સૈન્ય-પગલાં લેવાઈ રહ્યાં છે એ માત્ર ડ્રગ્સની સમસ્યાને કારણે હોય એવું રક્ષા-વિશેષજ્ઞોને લાગી નથી રહ્યું. આ પગલાંથી અમેરિકા અને લૅટિન અમેરિકા વિસ્તારના ભૂ-રાજનૈતિક તનાવમાં વધારો થયો છે.


