કુરિયરબૉય નહીં, યુવતીનો મિત્ર જ ઘરે આવ્યો હતો
પ્રતીકાત્મક તસવીર
કુરિયર ડિલિવરી કરવાના બહાને ઘરમાં ઘૂસીને પુણેની બાવીસ વર્ષની યુવતી પર બળાત્કાર કરવાના કેસમાં આરોપીની ધરપકડ થયા બાદ કેસમાં નવો વળાંક આવ્યો છે. ફરિયાદી યુવતીએ જ પોતાનો અને આરોપીનો સેલ્ફી લીધો હતો તેમ જ આરોપી ચાલ્યા ગયા બાદ તેણે સેલ્ફી અને મેસેજ એડિટ કર્યા હતા. પોલીસ-તપાસમાં એવી માહિતી બહાર આવી હતી કે આરોપી યુવક ફરિયાદી યુવતીના સમાજનો જ હતો અને બન્ને છેલ્લાં બે વર્ષથી સંપર્કમાં હતાં એટલું જ નહીં, ફરિયાદમાં જણાવ્યા મુજબ યુવક કુરિયરબૉય બનીને નહોતો આવ્યો કે ન તો તેણે યુવતીને બેભાન કરવા માટે કોઈ સ્પ્રેનો ઉપયોગ કર્યો હતો. પોલીસે બળાત્કાર તરીકે નોંધાયેલા આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે એમ પુણેના પોલીસ-કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું હતું.
પુણેના પોલીસ-કમિશનરે જણાવ્યું હતું કે ‘ફરિયાદીએ બળાત્કારની ફરિયાદ કેમ નોંધાવી એની તપાસ હજી ચાલી રહી છે અને સાથે જ ફરિયાદી યુવતીની માનસિક સ્થિતિ સ્થિર છે કે નહીં એની પણ તપાસ કરવામાં આવશે.’

