US Pakistan Trade Deal: ‘...કદાચ તેઓ કોઈ દિવસ ભારતને તેલ વેચશે’ તેમ કહીને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇસ્લામાબાદ સાથે વેપાર કરારની જાહેરાત કરી
ડોનાલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર
ભારતીય આયાત પર ૨૫% ટેરિફ અને વધારાના દંડ લાદ્યાના કલાકો પછી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ બુધવારે કહ્યું કે, યુનાઇટેડ સ્ટેટ્સ (United States)એ પાકિસ્તાન (Pakistan) સાથે દેશના વિશાળ તેલ ભંડારને સંયુક્ત રીતે વિકસાવવા માટે એક નવો વેપાર કરાર કર્યો છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે, અમેરિકાએ પાકિસ્તાન સાથે એક કરાર કર્યો છે (US Pakistan Trade Deal) જેના હેઠળ તેઓ દક્ષિણ એશિયાઈ દેશના તેલ ભંડાર વિકસાવવા માટે સાથે મળીને કામ કરશે. ટ્રમ્પે પાકિસ્તાનમાં તેલ ભંડાર વિકસાવવા માટે સંયુક્ત પહેલનું પણ વચન આપ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાન `કોઈ દિવસ` ભારતને તેલ વેચી શકે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને લખ્યું, ‘અમે હમણાં જ પાકિસ્તાન સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે હેઠળ પાકિસ્તાન અને અમેરિકા તેમના વિશાળ તેલ ભંડાર વિકસાવવા માટે સાથે મળીને કામ કરશે. અમે આ ભાગીદારીનું નેતૃત્વ કરતી તેલ કંપની પસંદ કરવાની પ્રક્રિયામાં છીએ. કોણ જાણે છે, કદાચ તેઓ કોઈ દિવસ ભારતને તેલ વેચશે.’
ADVERTISEMENT
ટ્રમ્પે પોસ્ટમાં આગળ કહ્યું, ‘એ જ રીતે, અન્ય દેશો પણ ટેરિફ ઘટાડવાનો પ્રસ્તાવ મૂકી રહ્યા છે. આ બધું આપણી વેપાર ખાધને ઘણી હદ સુધી ઘટાડવામાં મદદ કરશે. યોગ્ય સમયે સંપૂર્ણ રિપોર્ટ બહાર પાડવામાં આવશે. આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર. અમેરિકાને ફરીથી મહાન બનાવો.’
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ જાહેરાત વિદેશ મંત્રી માર્કો રુબિયો (Marco Rubio)ની પાકિસ્તાની વિદેશ મંત્રી ઇશાક ડાર (Ishaq Dar) સાથે અમેરિકામાં થયેલી મુલાકાતના થોડા દિવસો પછી આવી છે. બેઠક બાદ ડારે કહ્યું હતું કે, ‘અમેરિકા સાથે વેપાર કરાર ખૂબ નજીક છે.’ પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેનો આ કરાર અચાનક થયો નથી, પરંતુ તેની તૈયારી ઘણા સમયથી ચાલી રહી હતી.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ભારત પર ૨૫% સુધીના ટેરિફની જાહેરાત કરી હતી. બીજા જ દિવસે ટ્રમ્પે બીજી જાહેરાત કરી. ટ્રમ્પે ભારત પર ટેરિફની જાહેરાત કરતી વખતે વોશિંગ્ટનની વેપાર ખાધ અને રશિયા પાસેથી નવી દિલ્હીની તેલ ખરીદીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘ભારત અમેરિકન ઉત્પાદનો પર "ખૂબ ઊંચા" ટેરિફ લાદે છે અને રશિયા પાસેથી તેલ અને લશ્કરી સાધનો ખરીદીને યુક્રેન યુદ્ધને પ્રોત્સાહન આપી રહ્યું છે.’ તેના જવાબમાં, શુક્રવારથી ભારત પર વધારાના દંડ પણ લાદવામાં આવશે. જોકે, ટ્રમ્પે સંકેત આપ્યો કે બંને દેશો હજી પણ વેપાર કરાર પર વાટાઘાટો કરી રહ્યા છે.

