BMCનું બજેટ ગયા વર્ષે ૭૪ હજાર કરોડ હતું અને આ વર્ષે એ ૮૦ હજાર કરોડ સુધી પહોંચવાની શક્યતા છે
ફાઇલ તસવીર
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી તાજેતરમાં યોજાઈ છે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળના મહાયુતિએ પ્રચંડ વિજય મેળવ્યો હતો. એ પછી BJPનાં રિતુ તાવડે અને શિવસેનાના સંજય ઘાડી અનુક્રમે મેયર અને ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાયાં છે. આ પછી મુંબઈ મહાનગરપાલિકામાં પ્રશાસક શાસન સમાપ્ત થઈ ગયું છે. આજે મુંબઈ મહાનગરપાલિકાનું ૨૦૨૬-’૨૭નું બજેટ રજૂ કરવામાં આવશે.
BMCનું બજેટ ગયા વર્ષે ૭૪ હજાર કરોડ હતું અને આ વર્ષે એ ૮૦ હજાર કરોડ સુધી પહોંચવાની શક્યતા છે. છેલ્લાં ૯ વર્ષમાં BMCનું બજેટ ૫૦ હજાર કરોડ વધ્યું છે. આ વર્ષના બજેટમાં મુંબઈમાં રસ્તાઓ, માળખાગત સુવિધાઓ અને મુખ્ય પ્રોજેક્ટ્સ માટે નોંધપાત્ર ફન્ડ પૂરું પાડવામાં આવે એવી શક્યતા છે. ઉપરાંત તિજોરીમાં ખાધ ભરવા માટે કર વધારો અને કચરા વેરો જેવા કેટલાક નવા કર લાગુ કરવામાં આવે એવી શક્યતા છે.
ADVERTISEMENT
BMCએ એને ફાળવેલા ભંડોળનો માત્ર ૫૧ ટકા જ ખર્ચ કર્યો
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ ૨૦૨૫-’૨૬ના ૭૪,૪૨૭ કરોડ રૂપિયાના બજેટમાં નાગરિક સુવિધાઓ માટે ૪૩,૧૬૨ કરોડ રૂપિયાની રેકૉર્ડ જોગવાઈ કરી હતી પરંતુ ફાઇનૅન્શિયલ યર પૂરું થવામાં માંડ એક મહિનો બાકી છે ત્યારે ફાળવેલા ફન્ડમાંથી માત્ર ૫૧ ટકા જ ખર્ચ થયો છે. ખર્ચની ધીમી ગતિએ ફરી એક વાર બાબુશાહીના આયોજનમાં ખામીઓ અને વહીવટી વિલંબ દર્શાવે છે.
