Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ચૅમ્પિયન બન્યા બાદની પહેલી જ વન-ડે મૅચમાં ભારતીય મહિલા ટીમને મળી હાર

ચૅમ્પિયન બન્યા બાદની પહેલી જ વન-ડે મૅચમાં ભારતીય મહિલા ટીમને મળી હાર

Published : 25 February, 2026 11:48 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતે આપેલા ૨૧૫ રનના ટાર્ગેટ સામે ઑસ્ટ્રેલિયાએ ૩૮.૨ ઓવરમાં ૨૧૭ રન કરીને ૬ વિકેટે જીત નોંધાવી, ૩ મૅચની સિરીઝમાં ૧-૦ની લીડ પણ મેળવી

ઑસ્ટ્રેલિયાની વિકેટકીપર-બૅટર બેથ મૂની ૭૯ બૉલમાં પાંચ ફોર અને બે સિક્સના આધારે ૭૬ રનની મૅચવિનિંગ ઇનિંગ્સ રમી હતી.

ઑસ્ટ્રેલિયાની વિકેટકીપર-બૅટર બેથ મૂની ૭૯ બૉલમાં પાંચ ફોર અને બે સિક્સના આધારે ૭૬ રનની મૅચવિનિંગ ઇનિંગ્સ રમી હતી.


યજમાન ઑસ્ટ્રેલિયાએ ભારતીય મહિલા ટીમ સામે પહેલી વન-ડે મૅચ ૬ વિકેટે જીતીને ૩ મૅચની સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી છે. ભારતે સ્મૃતિ માન્ધનાની ૩૫મી અને હરમનપ્રીત કૌરની ૨૩મી વન-ડે ફિફ્ટીના આધારે ૪૮.૩ ઓવરમાં ૧૦ વિકેટ ગુમાવીને ૨૧૪ રન કર્યા હતા. જવાબમાં ઑસ્ટ્રેલિયાએ ૩૮.૨ ઓવરમાં ૪ વિકેટે ૨૧૭ રન ફટકારીને ૨૧૫ રનનો ટાર્ગેટ સરળતાથી ચેઝ કર્યો હતો. ૭૦ બૉલ પહેલાં મળેલી આ જીત સાથે ઑસ્ટ્રેલિયાની મહિલા ટીમે બ્રિસબેનના મેદાન પર પોતાનો મ​લ્ટિ-ફૉર્મેટ રેકૉર્ડ હવે ૨૧-૦નો કર્યો છે.

વન-ડે વર્લ્ડ કપ બાદ પહેલી વખત ક્રિકેટ રમવા ઊતરેલી ઓપનર પ્રતીકા રાવલ બે બૉલ રમીને ઝીરો પર LBW આઉટ થઈ હતી. અન્ય ઓપનર સ્મૃતિ માન્ધનાએ ૬૮ બૉલમાં ૭ ફોર ફટકારીને ૫૮ રન કર્યા હતા. કૅપ્ટન હરમનપ્રીત કૌરે ૮૪ બૉલમાં ૩ ફોર ફટકારીને ૫૩ રનની ધીરજપૂર્વકની ઇનિંગ્સ રમી હતી. રિચા ઘોષે ૨૩ રન અને કાશ્વી ગૌતમે ૪૩ રનનું યોગદાન આપ્યું હતું. ચૅમ્પિયન બન્યા બાદ પહેલી વખત વન-ડે મૅચ રમી રહેલી વર્લ્ડ કપ સ્ટાર શફાલી વર્મા ૪ રન, જેમિમા રૉડ્રિગ્સ ૮ રન અને દીપ્તિ શર્મા બે રને આઉથ થયાં હતાં. કાંગારૂ સ્પિનર ઍશ્લી ગાર્ડનરે ટીમ માટે ૭ ઓવરમાં ૩૩ રન આપીને સૌથી વધુ ૩ વિકેટ ઝડપી હતી.



ક્રિકેટ-કરીઅરમાંથી વિદાય લેવાની તૈયારી કરી રહેલી કૅપ્ટન ઍલિસા હીલીએ ઓપનિંગમાં ઊતરીને ૭૦ બૉલમાં ૪ ફોરની મદદથી ૫૦ રન કર્યા હતા. રન-ચેઝ દરમ્યાન વિકેટકીપર-બૅટર બેથ મૂનીએ ૭૯ બૉલમાં પાંચ ફોર અને બે સિક્સના આધારે ૭૬ રનની મોટી ઇનિંગ્સ રમી હતી. ઍનાબેલ સધરલૅન્ડે ૪ ફોર અને એક સિક્સ ફટકારીને ૪૪ બૉલમાં અણનમ ૪૮ રન ફટકાર્યા હતા. ભારત માટે સ્પિનર શ્રી ચારણીએ ૯ ઓવરમાં ૪૧ રન આપીને સૌથી વધુ બે વિકેટ લીધી હતી. સ્પિનર દીપ્તિ શર્મા અને પેસ બોલર ક્રા​ન્તિ ગૌડને ૧-૧ સફળતા મળી હતી.


વન-ડે સિરીઝની શરૂઆતમાં જ હરમનપ્રીત કૌર સહિત ૩ પ્લેયર્સ ઘાયલ 

ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌરને ડાબા પગના ઘૂંટણમાં ઇન્જરી થઈ હોવાથી તે બીજી ઇનિંગ્સમાં ફીલ્ડિંગ કરી શકી નહોતી. પહેલી ઇનિંગ્સમાં બૅટિંગ દરમ્યાન તેને ૩૮મી ઓવરમાં મેદાન પર થોડી સારવારની જરૂર પડી હતી. બીજી ઇનિંગ્સમાં તેના સ્થાને વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધનાએ ટીમની કમાન સંભાળી હતી. ઑસ્ટ્રેલિયાની બે મહત્ત્વપૂર્ણ પ્લેયર્સ એલિસ પેરી અને કિમ ગાર્થ પગની ઇન્જરીને કારણે આખી વન-ડે સિરીઝમાંથી બહાર થઈ ગઈ છે. બન્નેને છેલ્લી T20 મૅચ દરમ્યાન ઇન્જરી થઈ હતી હવે તેઓ બ્રેક લઈને ભારત સામેની એકમાત્ર ટેસ્ટ-મૅચ પહેલાં ફિટ થવાનો પ્રયાસ કરશે. 

વન-ડે વર્લ્ડ કપ ચૅમ્પિયન ભારતીય મહિલા ટીમ પહેલી વખત સ્ટારવાળી જર્સી પહેરીને રમી

ભારતીય વિમેન્સ ટીમે ગયા વર્ષે નવી મુંબઈમાં સાઉથ આફ્રિકાને હરાવીને વન-ડે ફૉર્મેટના ટાઇટલ તરીકે પોતાનો પહેલો વર્લ્ડ કપ જીત્યો હતો. ગઈ કાલે હરમનપ્રીત કૌર ઍન્ડ કંપની ચૅમ્પિયન બન્યા બાદ પહેલી વખત વન-ડે મૅચ રમવા ઑસ્ટ્રેલિયાના મેદાન પર ઊતરી હતી. વન-ડે ચૅમ્પિયનના પ્રતીક તરીકે પહેલી વખત ભારતીય મહિલા પ્લેયર્સની વન-ડે જર્સી પર ક્રિકેટ બોર્ડના લોગોની ઉપર એક સ્ટાર પણ હતો. 


Whatsapp-channel Whatsapp-channel

25 February, 2026 11:48 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK