નોંધનીય છે કે ડોનલ્ડ ટ્રમ્પે પણ થોડા સમય પહેલાં જે. ડી. વૅન્સ તેમના રાજકીય આંદોલનના વારસદાર હોવાની જાહેરાત કરી હતી
જુલાઈ મહિનામાં ટ્રમ્પના હાથ પર ઉઝરડા
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ વિશે સોશ્યલ મીડિયામાં ‘ટ્રમ્પ ઇઝ ડેડ’ ટ્રેન્ડિંગ હતું. આ ટ્રેન્ડ થવાનું કારણ ટ્રમ્પની જાહેરમાં ગેરહાજરી અને વાઇસ પ્રેસિડન્ટ જે. ડી. વૅન્સે આપેલું એક નિવેદન છે. જુલાઈ મહિનામાં ટ્રમ્પના હાથ પર ઉઝરડા અને પગની ઘૂંટીમાં સોજો જોવા મળ્યા બાદ ટ્રમ્પનું સ્વાસ્થ્ય ચર્ચાનો વિષય રહ્યું છે. બીજી તરફ ટ્રમ્પના સ્વાસ્થ્ય વિશેની ચર્ચા વિશે જે. ડી. વૅન્સે એક મુલાકાતમાં કહ્યું હતું કે ટ્રમ્પ એકદમ ફિટ છે, પણ જો કોઈ દુર્ઘટના થાય તો હું પ્રેસિડન્ટ તરીકેની જવાબદારી લેવા સજ્જ અને તૈયાર છું. આ મુલાકાત બાદ અફવાઓએ વધુ જોર પકડ્યું હતું.
પ્રેસિડન્ટ ટ્રમ્પ હજી પણ ઉત્સાહી અને સક્રિય છે એવું જણાવીને જે. ડી. વૅન્સે કહ્યું હતું કે ‘હા, ભયંકર દુર્ઘટનાઓ થાય છે, પરંતુ મને વિશ્વાસ છે કે યુનાઇટેડ સ્ટેટ્સના પ્રેસિડન્ટ સ્વસ્થ અને સારી સ્થિતિમાં છે. તેમના બાકીના કાર્યકાળને તેઓ પૂરો કરશે અને અમેરિકન લોકો માટે મહાન કાર્યો કરશે. જો ભગવાન ન કરે, પણ કોઈ ભયંકર દુર્ઘટના થાય તો હું જવાબદારી લેવા તૈયાર છું, કારણ કે છેલ્લા ૨૦૦ દિવસોમાં મને જે ટ્રેઇનિંગ મળી છે એનાથી વધુ સારી કોઈ તાલીમ હોઈ ન શકે.’
નોંધનીય છે કે ડોનલ્ડ ટ્રમ્પે પણ થોડા સમય પહેલાં જે. ડી. વૅન્સ તેમના રાજકીય આંદોલનના વારસદાર હોવાની જાહેરાત કરી હતી
ADVERTISEMENT
કયાં હતા ડોનલ્ડ ટ્રમ્પ?
બે દિવસ ડોનલ્ડ ટ્રમ્પ જાહેરમાં ક્યાંય ન દેખાતાં અને બીજા બે દિવસ સુધી તેમનો કોઈ જાહેર કાર્યક્રમ ન હોવાથી ઘણી અફવાઓ ઊડી હતી. ટ્રમ્પ ગાયબ થઈ ગયા હોવાની અને મૃત્યુ પામ્યા હોવા સુધ્ધાંની અફવાઓ સોશ્યલ મીડિયામાં ઊડી હતી. જોકે ગઈ કાલે મોડી સાંજે આ બધી અફવાઓને ડામી દેતો ડોનલ્ડ ટ્રમ્પનો ગૉલ્ફ રમતો ફોટો સામે આવ્યો હતો. વર્જિનિયાના પોતાના ગૉલ્ફ કોર્સમાં ડોનલ્ડ ટ્રમ્પ તેમનાં પૌત્ર-પૌત્રી સાથે ગૉલ્ફનો આનંદ માણતા જોવા મળ્યા હતા.

