UAEનું શિપમેન્ટ હોવાનું બતાવીને પાકિસ્તાનનાં કન્ટેન્ટર ભારતમાં ઘુસાડનારા સપ્લાયર અને કસ્ટમ્સ બ્રોકરની ધરપકડ
૨૮ કન્ટેનરો નવી મુંબઈના ન્હાવા-શિવડી પોર્ટ પરથી જપ્ત કરવામાં આવ્યાં
મૂળ પાકિસ્તાની સામાન ભરેલાં ૨૮ કન્ટેનરો નવી મુંબઈના ન્હાવા-શિવડી પોર્ટ પરથી જપ્ત કરવામાં આવ્યાં છે. ૮૦૦ ટન ખારેક અને કૉસ્મેટિક્સ ભરેલાં આ કન્ટેનરોમાં ૧૨ કરોડ રૂપિયાનો સામાન હતો. આ સંદર્ભે બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે સરકારી નિયમ મુજબ પાકિસ્તાની મૂળની વસ્તુઓની આયાત પર પ્રતિબંધિત હોવા છતાં ભારતના ત્રણ ઇમ્પોર્ટર્સે આ કન્સાઇનમેન્ટ મગાવ્યાં હતાં.
કમિશન બેઝિસ પર કામ કરતા દુબઈમાં સ્થાયી થયેલા ભારતીય નાગરિકે બનાવટી ઇન્વૉઇસ બનાવીને પાકિસ્તાનથી ખારેકનું શિપમેન્ટ મગાવ્યું હતું. આ સપ્લાયર તેની ફર્મના નામે શિપમેન્ટને ભારતમાં ઘુસાડતો હતો. દુબઈના જેબલ અલી બંદરથી આવેલા આ શિપમેન્ટને યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)નું શિપમેન્ટ ગણાવીને ભારતમાં લવાયું હતું.
ADVERTISEMENT
ઑપરેશન ડીપ મૅનિફેસ્ટ હેઠળ દેશના ટોચના ઍન્ટિ-સ્મગલિંગ યુનિટ દ્વારા પાકિસ્તાની મૂળનાં ૨૮ કન્ટેનર પકડવામાં આવ્યાં હતાં. આ શિપમેન્ટ પાકિસ્તાનનું નથી એમ સાબિત કરવા માટે પાકિસ્તાની, ભારતીય અને UAEના નાગરિકોનાં નામે અનેક ટ્રાન્ઝૅક્શન કરીને ગૂંચવણ ઊભી કરવામાં આવી હતી. ભારતથી પાકિસ્તાનમાં પૈસા મોકલવા માટે પણ UAEના સપ્લાયરની મદદ લેવામાં આવી હતી.
પાકિસ્તાનની બનાવટનાં કૉસ્મેટિક્સ બીજા દેશની પ્રોડક્ટ હોવાનું જણાવીને પાકિસ્તાનથી કૉસ્મેટિક્સનું સ્મગલિંગ કરતા એક કસ્ટમ્સ બ્રોકર અને UAEના સપ્લાયરની ધરપકડ કરવામાં આવી છે.
DRIનું ઑપરેશન ડીપ મૅનિફેસ્ટ શું છે?
બાવીસમી એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર દ્વારા બીજી મેથી પાકિસ્તાની મૂળની વસ્તુઓની ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યાર બાદ DRIએ આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરીને પાકિસ્તાનથી આયાત થયેલા માલસામાનને જપ્ત કરવા માટે ‘ડીપ મૅનિફેસ્ટ’ અભિયાન શરૂ કર્યું છે જે અંતર્ગત પાકિસ્તાનથી આવેલાં કન્ટેનર્સને જપ્ત કરવામાં આવ્યાં હતાં.

