ભારત આવ્યા બાદ ગાયબ થઈ ગયેલા આ લોકોને શોધવા માટે વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી
પ્રતીકાત્મક તસવીર
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં બૈસરન વૅલીમાં નિર્દોષ ટૂરિસ્ટો પર હુમલો પાકિસ્તાની આતંકવાદીઓએ કર્યો હોવાનું જણાયા બાદ ભારતમાંથી એકેએક પાકિસ્તાનીને ભારત છોડવાનું ફરમાન કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રનાં ૪૮ શહેરમાં ૫૦૨૩ પાકિસ્તાની નાગરિકો વિવિધ વીઝા લઈને આવ્યા છે, પણ એમાંથી ૧૦૭ પાકિસ્તાની નાગરિકોનો કોઈ પત્તો નથી લાગી રહ્યો એને લીધે રાજ્ય સરકારની ઊંઘ ઊડી ગઈ છે. આ નાગરિકોને શોધવા માટે વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી હોવાનું મહારાષ્ટ્રના ગૃહ રાજ્યપ્રધાન યોગેશ કદમે ગઈ કાલે કહ્યું હતું.
ગૃહ રાજ્યપ્રધાન યોગેશ કદમે ગઈ કાલે કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકારે દેશભરમાંથી પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાનું ફરમાન કર્યા બાદ રાજ્યના તમામ જિલ્લામાંથી અમે રાજ્યમાં પાકિસ્તાનથી વિવિધ વીઝા પર આવેલા નાગરિકોની યાદી મગાવી હતી. યાદી મુજબ અત્યારે મહારાષ્ટ્રમાં ૫૦૨૩ પાકિસ્તાની નાગરિક હોવાનું જણાઈ આવ્યું છે. જોકે ભારત આવેલા ૧૦૭ પાકિસ્તાની નાગરિકો અત્યારે ક્યાં છે એની વિગત નથી મળી. આથી તેમને શોધવામાં આવી રહ્યા છે અને તમામ પાકિસ્તાની નાગરિકોને ૨૮ એપ્રિલ સુધીમાં રાજ્યની બહાર મોકલી દેવામાં આવશે. મેડિકલ વીઝા પર આવેલા પાકિસ્તાની નાગરિકોને ૩૦ એપ્રિલ સુધી જતા રહેવાના પત્ર આપવામાં આવ્યા છે.’
ADVERTISEMENT
2458- નાગપુર જિલ્લામાં સૌથી વધુ આટલા પાકિસ્તાની છે
1106 - થાણે જિલ્લામાં આટલા પાકિસ્તાની છે
404 - પુણે જિલ્લામાં આટલા પાકિસ્તાની છે
14 - મુંબઈમાં આટલા પાકિસ્તાની છે

