આતંકવાદી હુમલો થયો એના ચાર દિવસ પહેલાં પુણેના ટૂરિસ્ટે દીકરીની રીલ બનાવી હતી, એમાં દેખાતા બે જણ ટેરરિસ્ટોના સ્કેચ સાથે મળતા આવે છે એવું તેમને લાગી રહ્યું છે : NIAને મોકલાવી રીલ
રીલના બૅકગ્રાઉન્ડમાં બે યુવક વૅલીમાં દેખાઈ આવ્યા છે
પહલગામની બૈસરન વૅલીમાં બાવીસમી એપ્રિલે પાકિસ્તાનના આતંકવાદીઓએ નિર્દોષ ટૂરિસ્ટો પર ગોળીબાર કરીને હત્યા કરી હતી. આ અત્યંત પીડાદાયક ઘટનાના ચાર દિવસ પહેલાં પુણેમાં રહેતું એક ફૅમિલી કાશ્મીરની ટૂર પર ગયું હતું ત્યારે પુત્રીની રીલ બનાવી હતી એમાં પહલગામના બે શંકાસ્પદ આતંકવાદી ઝડપાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આ ફૅમિલીએ આ બાબતની માહિતી આતંકવાદી હુમલાની તપાસ કરી રહેલી નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને કરી છે.
પુણેમાં રહેતા શ્રીજીત રમેશન પત્ની અને પુત્રી સાથે કાશ્મીરની ટૂર પર ગયા હતા અને તેઓ ૧૮ એપ્રિલે પાછા આવી ગયા હતા. પુણેના માવળના રહેવાસી શ્રીજીત રમેશન ટૂર પર હતા ત્યારે તેમણે બેતાબ વૅલીમાં મોબાઇલથી રીલ શૂટ કરી હતી. આ રીલના બૅકગ્રાઉન્ડમાં બે યુવક વૅલીમાં દેખાઈ આવ્યા છે. શ્રીજીત રમેશને પહેલાં તો આના પર ધ્યાન નહોતું આપ્યું, પણ બેતાબ વૅલીથી સાડાસાત કિલોમીટર દૂર આવેલી બૈસરન વૅલીમાં આતંકવાદીઓએ ટૂરિસ્ટો પર ગોળીબાર કરીને હત્યા કરવાની ઘટના બાદ શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા હતા એ જોઈને તેઓ ચોંકી ઊઠ્યા હતા.
ADVERTISEMENT
રીલમાં પુત્રીની પાછળ ચાલી રહેલા બે યુવક પહલગામમાં ફાયરિંગ કરનારા બે શંકાસ્પદ આતંકવાદીઓ જેવા લાગતાં શ્રીજીત રમેશને પત્નીને રીલ બતાવી હતી. તેમની પત્નીએ કન્ફર્મ કર્યું હતું કે રીલમાં ઝડપાઈ ગયેલા યુવકો આતંકવાદી જ છે. બાદમાં તેમણે દિલ્હીની NIA ઑફિસમાં સંપર્ક કર્યો હતો અને એજન્સીને રીલનો વિડિયો મોકલી આપ્યો છે.
આ સવાલ ઊભા થયા
* બેતાબ વૅલીમાં આતંકવાદી કેટલા દિવસથી રહેતા હતા?
* બેતાબ વૅલી પરિસરમાં આતંકવાદી કેટલા દિવસથી રેકી કરતા હતા?
* બેતાબ વૅલીમાં આતંકવાદીઓને હુમલો કરીને પલાયન થવામાં કે છુપાવા માટે જગ્યા નહોતી એટલે તેમણે પહલગામની બૈસરન વૅલીમાં હુમલો કર્યો?
* બેતાબ વૅલી કરતાં પહલગામમાં વધુ ટૂરિસ્ટ આવે છે એટલે અહીં હુમલો કરવાનો પ્લાન બનાવ્યો?
પહલગામમાં સહેલાણીઓ પાછા આવ્યા
બાવીસ એપ્રિલે બૈસરન વૅલીમાં આતંકવાદીઓએ ૨૬ વ્યક્તિઓના જીવ લીધા એ પછી ગઈ કાલે પહલગામમાં ટૂરિસ્ટો જોવા મળ્યા હતા.

