ટૂંક સમયમાં મોટા વળતરની લાલચમાં તે તો ફસાયો અને સાથે-સાથે બીજા લોકોને પણ ફસાવ્યા : કુલ ૬.૨૫ કરોડ રૂપિયાની થઈ છેતરપિંડી
પ્રતીકાત્મક તસવીર
થાણેમાં રહેતા ૩૮ વર્ષના પરિતોષ શાહ સહિત ૨૪ લોકો પાસેથી મનીમેકર મલકાન નામે ઇન્વેસ્ટમેન્ટ ફર્મ ચલાવતા મનીષ મલકાન અને અર્પિત શાહે ૬.૨૫ કરોડ રૂપિયા લઈને તેમની સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ થાણે ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (EOW)એ શુક્રવારે નોંધાવી છે. આશરે એક વર્ષ દર મહિને ૬થી ૮ ટકા રિટર્ન આપીને આરોપીઓએ પરિતોષનો વિશ્વાસ જીત્યો હતો. ત્યાર પછી તેને બીજા ઇન્વેસ્ટરો તૈયાર કરીને એમાં પણ દર મહિને બે ટકા વ્યાજની લાલચ આપવામાં આવી હતી. એના આધારે પરિતોષે બીજા ૨૩ લોકોને ઇન્વેસ્ટમેન્ટ માટે તૈયાર કરી તેમની પાસેથી પૈસા લઈને મનીષ અને અર્પિતને આપ્યા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
‘મનીમેકર મલકાન’ કંપની શૅરટ્રેડિંગ કંપની મિનિસ્ટ્રી ઑફ માઇક્રો સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ તરીકે રજિસ્ટર હોવાનું કહેતાં પરિતોષે પહેલાં પોતાના પૈસા રોક્યા હતા એમ જણાવતાં EOWના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૨૧ની શરૂઆતમાં પરિતોષે ૩ લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા જેમાં તેને વળતર આપવામાં આવ્યું હતું. એ જોતાં તેણે ફરી ઇન્વેસ્ટમેન્ટ કરતાં આશરે ૧૦ લાખ રૂપિયા જેટલું વળતર આપવામાં આવ્યું હતું. જોકે રિટર્ન આવેલા પૈસા પણ તેણે ફરી રોકાણ માટે આપી દીધા હતા. રિટર્ન સમયસર આવતું હોવાથી પરિતોષને આ કંપની પર વિશ્વાસ બેસી ગયો હતો. ત્યાર બાદ આરોપીઓએ પરિતોષને તેના સંબંધીઓ, મિત્રો અને પરિચિતો પાસેથી પૈસા મેળવી કંપનીમાં રોકાણ કરવાની સલાહ આપી હતી એટલું જ નહીં, જ્યારે રિટર્ન પૈસા આવશે એમાં તને પણ ફાયદો થશે એમ કહીને લાલચ આપવામાં આવી હતી. ત્યાર બાદ પરિતોષે તેના ૨૩ સંબંધીઓ, મિત્રો અને પરિચિતો પાસેથી અમુક રકમ પોતે સ્વીકારીને આશરે ૬.૨૫ કરોડ રૂપિયા આગળ મનીમેકર મલકાન કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ માટે આપ્યા હતા. જોકે ૨૦૨૩માં તમામ મૂળ રકમ અને પ્રૉફિટ રિટર્ન ન મળતાં પોતાની સાથે થયેલી છેતરપિંડી સમજાતાં તેમણે અમારી પાસે ફરિયાદ નોંધાવી હતી. આ કેસની પ્રાથમિક ફરિયાદ કાપુરબાવડી પોલીસ-સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. હાલમાં આ કેસની અમે તપાસ કરી રહ્યા છીએ.’
આ ઘટનાની વધુ માહિતી જાણવા પરિતોષ શાહનો ‘મિડ-ડે’ દ્વારા સંપર્ક કરવામાં આવતાં તેણે હાલમાં આ ઘટના પર બોલવાનું ટાળ્યું હતું.