Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કોરોના અને વાઇરલ બાદ હવે મુશ્કેલી વધારશે વરસાદ

કોરોના અને વાઇરલ બાદ હવે મુશ્કેલી વધારશે વરસાદ

10 January, 2022 08:34 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

શહેરના ડૉક્ટરોના મતે કમોસમી વરસાદને લીધે શહેરમાં ડેન્ગી, મલેરિયા અને સ્વાઇન ફ્લુના કેસમાં પણ આવી શકે છે ઉછાળો

શનિવારે પડેલો કમોસમી વરસાદ

શનિવારે પડેલો કમોસમી વરસાદ


કોરોના અને વાઇરલનો કેર ઓછો હતો ત્યાં કમોસમી વરસાદને લીધે પ્રદૂષણ, પાણીનો સંચય અને મચ્છરોનો ઉપદ્રવ વધી શકવાની ભારોભાર શક્યતા હોવાથી એને કારણે સ્વાઇન ફ્લુ, ડેન્ગી અને મલેરિયા જેવી બીમારીઓ માથું ઊચકે એવો ડર ડૉક્ટરો વ્યક્ત કરી રહ્યા છે. ઓમાઇક્રોન અને વાઇરલ ઇન્ફેક્શન બંનેનાં લક્ષણો એકદમ સરખાં હોવાથી મુંબઈગરાઓએ કોવિડના આ રોગચાળાના સમયમાં ખૂબ જ સાવધાનીપૂર્વક જીવન જીવવાની અને દવાઓની સાથે સરકારી ગાઇડલાઇન્સ પ્રમાણે સોશ્યલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાના નિયમો પાળવા અત્યંત જરૂરી છે. 
તાજેતરનો કમોસમી વરસાદ અને એને લીધે બદલાયેલી શુષ્ક આબોહવા વાઇરસમાં વધારો કરે છે, એમ જણાવતાં ચેમ્બુરની ઝેન મલ્ટિ-સ્પેશ્યલિટી હૉસ્પિટલના કન્સલ્ટિંગ ફિઝિશ્યન, ઇન્ટેન્સિવિસ્ટ અને ચેપી રોગોના નિષ્ણાત ડૉ. વિક્રાંત શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેડિકલ સાયન્સ પ્રમાણે તાપમાનમાં વધ-ઘટ વાઇરસ પેદા કરે છે, જે શ્વસન માર્ગમાં ઇન્ફેક્શનનું સર્જન કરે છે તેમ જ ભારે વરસાદને કારણે ખાડાઓમાં ગંદકી થવાથી પ્રદૂષણ અને પાણીમાં બગાડ શરૂ થાય છે. મચ્છરોનો ઉપદ્રવ થાય છે, જેને કારણે સ્વાઇન ફ્લુ, ડેન્ગી અને મલેરિયા જેવી બીમારીઓનું જોખમ વધી શકે છે. અત્યારના મુંબઈમાં ફેલાઈ રહેલા ઓમાઇક્રોન રોગનાં લક્ષણો પણ વાઇરલ ઇન્ફેક્શન જેવા જ છે. કમોસમી વરસાદને લીધે ક્રીએટ થતા વાઇરસનાં લક્ષણો એકસરખાં હોવાથી મૂંઝવણ પેદા કરે છે. આવા સંજોગોમાં સૌએ ખૂબ જ સંભાળીને, સાવધાનીપૂર્વક, જવાબદાર નાગરિક બનીને જીવવાની જરૂર છે. સૌએ સલામતી ખાતર જરૂરિયાત વગર કોઈના સંક્રમણમાં ન આવે એના પર ધ્યાન આપવું વધારે જરૂરી છે. એની સાથે હૅન્ડ સૅનેટાઇઝેશન, માસ્ક પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવું અને કંઈ પણ લક્ષણ દેખા દે તો ડૉકટરોના સંપર્કમાં રહેવું અત્યંત જરૂરી છે.’
કમોસમી વરસાદ આરોગ્ય પર આડઅસરોનું કારણ બને છે, જેમ કે તાવ આવવો, માથાનો દુખાવો, વહેતું નાક, ગળું ખરાબ થવું, ઉધરસ અને સાંધાનો દુખાવો. એ વિશે જાણકારી આપતાં દાદર, વડાલા અને વરલીમાં કન્સલ્ટિંગ કરી રહેલા ફૅમિલી ફિઝિશ્યન ડૉ. રામ ગટ્ટાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોવિડના આ રોગચાળાના સમયમાં સમાન લક્ષણો જોવા મળે છે. એથી વ્યક્તિએ નિયમિત માસ્ક પહેરવાની કાળજી લેવી જોઈએ. દિવસમાં આ રોગથી બચવા માટે બેથી ત્રણ વખત સ્ટીમ લેવું જરૂરી છે તેમ જ તમને તાવ આવતો હોય તો પૅરાસિટામૉલની ગોળી લઈને આ રોગનો સામનો કરવો જોઈએ. જો લક્ષણો ઓછાં ન થાય તો ડૉક્ટરનો અભિપ્રાય લેવામાં આળસ ન કરવી જોઈએ.’
કમોસમી વરસાદ બીમારીઓનો ફેલાવો કરે છે, એ સંદર્ભમાં દાદરના જનરલ ફિઝિશ્યન ડૉ. પ્રકાશ ગડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અત્યારે ચારેબાજુ ઓમાઇક્રોન અને વાઇરલ ફીવરના કેસમાં વધારો થઈ રહ્યો છે. બંને રોગનાં લક્ષણો સરખાં હોવાથી લોકોએ વધારે સાવધાનીથી જીવન જીવવાનું છે. આ બંને રોગો સામે રક્ષણ મેળવવા માટે સૌથી પહેલાં તમારા ડૉક્ટરોને કન્સલ્ટ કરીને એના માર્ગદર્શન પ્રમાણે દવા લો. બિનજરૂરી બહાર જવાનું ટાળો અને ગરમ પાણી પીઓ. જેમ બને એમ આરોગ્યની વધુ કાળજી કરો.’ 
આ શિયાળાની ઋતુમાં કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે અને આપણને વિવિધ બીમારીઓ થવાનું જોખમ રહેલું છે. આ વિશે માહિતી આપતાં ઘાટકોપરની સંખ્યાબંધ હૉસ્પિટલ સાથે સંકળાયેલા કન્સલ્ટિંગ ફિઝિશ્યન અને ડાયાબિટોલૉજિસ્ટ ડૉ. પિન્કેશ વી. ચાંદ્રાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તાપમાનમાં ઘટાડાથી નિષ્ક્રિય વાઇરસ સક્રિય થાય છે અને આપણને વિવિધ વાઇરલ ચેપનો સામનો કરવો પડે છે. કોવિડના વર્તમાન રોગચાળામાં વાઇરલ ચેપ આગમાં બળતણ ઉમેરે છે જેમાં ખાંસી, શરદી, નીચલા શ્વસન અને ઉપલા શ્વસન માર્ગના ચેપ જેવી વિવિધ બીમારીઓ ફેલાય છે. વરસાદી પાણી ખાડાઓમાં ભરાઈ જવાને કારણે મલેરિયા, ડેન્ગી તાવની શક્યતાઓ પણ વધે છે. ડાયાબિટીઝ, હૃદયના દરદીઓ અને અસ્થમાના દરદીઓ જેવી સહ-રોગની સ્થિતિ ધરાવતા સિનિયર સિટિઝનો સૌથી વધુ સંવેદનશીલ હોય છે.’
પિન્કેશ ચાંદ્રાએ વધુમાં કહ્યું હતું કે ‘આવા સંજોગોમાં અત્યંત સાવચેતી રાખવી પડશે. પુષ્કળ પ્રવાહી પીઓ. ઠંડું પાણી અને પીણાં પીવાનું ટાળો, અનહાઇજેનિક આહાર ટાળો, બહારનો ખોરાક ટાળો કારણ કે દૂષિત પાણી તમને ચેપ લાગવાની અને ગૅસ્ટ્રોએન્ટેરિટિસ અને ટાઇફોઇડ તાવથી પીડિત થવાની શક્યતાઓ વહન કરે છે. ભીડવાળી જગ્યાઓ ટાળો, કારણ કે ક્રૉસ ચેપની શક્યતાઓ વધુ છે. નિયમિત ગરમ પાણીના ગાર્ગલ્સ અને સ્ટીમ ઇન્હેલેશન કરો. કૃપા કરીને સ્વ-દવા ટાળો અને જો તમને તાવ, ખાંસી, શરદી, ગળામાં બળતરા હોય તો તમારા ડૉક્ટરનો સંપર્ક કરો, કારણ કે તે તમને માર્ગદર્શન આપવા માટે યોગ્ય વ્યક્તિ છે. સૌથી ઉપર માસ્ક પહેરો, સલામત રહેવા માટે સામાજિક અંતરનું પાલન કરો અને તમારી આસપાસના દરેકને સુરક્ષિત રાખો.’ 


Whatsapp-channel Whatsapp-channel

10 January, 2022 08:34 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK