જોકે મુંબઈની આ ચાર ફૅમિલીએ માનવતાને મહેકાવી હતી. તેમણે એક સિનિયર સિટિઝન મહિલાની મદદ કરી હતી.
મુંબઈની ચાર ફૅમિલી મહામુસીબત બાદ આબુ પહોંચી હતી.
રેલવે-વ્યવહાર ખોરવાયો એટલે મુંબઈથી આબુ જઈ રહેલા ચાર પરિવારના ૧૫ સભ્યો વહેલી પરોઢે પાંચ વાગ્યે વડોદરામાં અટવાઈ ગયા, પછી ત્યાંથી પ્રાઇવેટ વેહિકલ કરીને સવારે આઠને બદલે સાંજે ચાર વાગ્યે આબુ પહોંચ્યા: એકલાં મુસાફરી કરી રહેલાં સિનિયર સિટિઝન મહિલાને પોતાની સાથે આબુ લઈ ગયાં
રવિવારે રાતે ૧૧ વાગ્યે અમદાવાદ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમ્યાન બનેલી દુર્ઘટનાને પગલે ભાઈંદર, વિરાર અને મુંબઈ સેન્ટ્રલમાં રહેતા પ્રકાશ શાહ, ગોવિંદ ખુમાણ, દાસભાઈ ભોગેસરા અને પ્રતીક ઠાકુરની ફૅમિલીના ૧૫ સભ્યો પારાવાર મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. રેલવે-વ્યવહાર ખોરવાતાં મુંબઈથી આબુ જઈ રહેલા ૪ પરિવારના સભ્યો વહેલી પરોઢે પાંચ વાગ્યે વડોદરામાં અટવાઈ ગયા હતા અને વડોદરાથી પ્રાઇવેટ વેહિકલ ભાડે કરીને સવારે આઠ વાગ્યે પહોંચવાને બદલે સાંજે ચાર વાગ્યે આબુ પહોંચ્યા હતા.
ADVERTISEMENT
અરવલ્લી એક્સપ્રેસમાં મુંબઈથી આબુ જઈ રહેલા અને ભાઈંદરમાં રહેતા પ્રકાશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચાર ફૅમિલીના ૧૫ સભ્યો આબુ જવા નીકળ્યા હતા. વહેલી પરોઢે બધા ટ્રેનમાં સૂતા હતા ત્યાં અવાજ આવવાનું શરૂ થયું હતું એને કારણે અમે જાગી ગયા હતા. તપાસ કરતાં ખબર પડી કે ટ્રેન આગળ નહીં જાય, કંઈક થયું છે. અમારી સાથે મહિલાઓ અને બાળકો સહિત ૧૫ સભ્યો હતા. વડોદરા સ્ટેશન આવ્યું હોવાથી અમે નીચે ઊતરીને સ્થાનિક રેલવે સત્તાવાળાનો સંપર્ક કરતાં ખબર પડી કે ટ્રેન-વ્યવહાર બંધ છે; બીજી ટ્રેન આવશે, પણ ખબર નહીં કે એ ક્યારે અહીંથી આગળ જશે. ટ્રેનનું આગળ જવાનું નક્કી ન હોવાથી સવારે પાંચ વાગ્યામાં અમે બધા ભયંકર તકલીફમાં મુકાઈ ગયા હતા. નાછૂટકે અમે પ્રાઇવેટ વેહિકલમાં આબુ જવાનું નક્કી કર્યું. વડોદરા સ્ટેશનની બહાર નીકળ્યા પણ બહાર કોઈ વેહિકલ મળ્યું નહીં, કેમ કે અમારી માફક ઘણા બધા લોકો પ્રાઇવેટ વેહિકલ ભાડે કરીને જવા માગતા હતા એટલે ભાડેથી વેહિકલ મેળવવામાં બહુ ભીડ જામી હતી. જોકે ઘણી વાર પછી અમને ટેમ્પો ટ્રાવેલર ભાડે મળી ગયું એટલે બધા એમાં બેસી ગયા અને આબુ જવા નીકળ્યા હતા. હું રેલવેના સત્તાવાળાઓને એક વાત ખાસ કહેવા માગું છું કે જ્યારે પણ આવી કોઈ ઘટના બને તો એની ટ્રેનમાં અનાઉન્સમેન્ટ કરવી જરૂરી છે જેથી મુસાફરી કરી રહેલા લોકોને ખબર પડે કે ઘટના શું બની છે.’
વિરારમાં રહેતા દાસભાઈ ભોગેસરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વહેલી સવારે ટ્રેનમાં અફરાતફરી મચી ગઈ હતી. બધા એવું કહી રહ્યા હતા કે ટ્રેન આગળ નહીં જાય. ઘણા લોકો ટ્રેનમાંથી નીચે ઊતરી ગયા હતા. શું કરીએ એની પહેલાં તો ખબર જ ન પડી, કેમ કે અમારે આબુ જવાનું હતું અને અમે વડોદરા પહોંચ્યા ત્યારે આ ઘટના બની હતી. અમારી સાથે મહિલાઓ અને બાળકો હતાં એટલે અમે રિસ્ક લઈને પ્રાઇવેટ વેહિકલ ભાડે કરીને આબુ જવાનું નક્કી કર્યું હતું. ઍક્ચ્યુઅલી અમે ટ્રેનમાં સવારે ૮ વાગ્યે આબુ પહોંચી જવાના હતા એને બદલે સાંજે ચાર વાગ્યે પહોંચ્યા હતા. અમારી આ યાત્રા રિસ્કી બની ગઈ હતી.’
જોકે મુંબઈની આ ચાર ફૅમિલીએ માનવતાને મહેકાવી હતી. તેમણે એક સિનિયર સિટિઝન મહિલાની મદદ કરી હતી. મુંબઈથી તેઓ એકલાં મુસાફરી કરી રહ્યાં હતાં અને આબુ જવાનાં હતાં. તેમણે આ સિનિયર સિટિઝનનો સામાન ઊંચકીને તેમને સાથે લઈ લીધાં હતાં.

