રવિવારે રાતે ૧૧ વાગ્યે બનેલી ઘટનામાં હજારો મુસાફરો પારાવાર મુશ્કેલીમાં મુકાયા, જોકે મોટી દુર્ઘટના ટળી : પચીસ ટ્રેન રદ કરાઈ તો ઘણી ટ્રેન વડોદરા અટકાવી દેવાઈ અને કેટલીક ટ્રેનોના રૂટ બદલાયા
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતના અમદાવાદ ડિવિઝનના ગેરતપુર–વટવા સેક્શન નજીક નૅશનલ હાઈ સ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડની વર્ક-સાઇટ પર રવિવારે રાતે ૧૧ વાગ્યે ચાલી રહેલી કામગીરી દરમ્યાન સેગમેન્ટલ લૉન્ચિંગ ગૅન્ટ્રી આકસ્મિક રીતે લપસીને રેલવે ટ્રૅક પર પડતાં અમદાવાદ-મુંબઈ વચ્ચેનો રેલલે-વ્યવહાર ખોરવાયો હતો અને અસંખ્ય મુસાફરો પારાવાર હેરાન-પરેશાન થયા હતા. એના કારણે આ રૂટ પરની ટ્રેનોની અવરજવર પર ભારે અસર પડી હતી. આ ઘટનાને કારણે ૨૮ ટ્રેન રદ કરવામાં આવી હતી જેમાં ૭ ટ્રેન આંશિક રદ કરાઈ હતી, ૧૮ ટ્રેનનું સમયપત્રક ફરીથી ગોઠવવામાં આવ્યું હતું અને બે ટ્રેન ડાઇવર્ટ કરવામાં આવી હતી. રવિવારે રાતે ૧૧ વાગ્યાના સુમારે આ ઘટના બનતાં એ સમયે વડોદરાથી અમદાવાદ જતી ૧૦ ટ્રેનને જુદાં-જુદાં સ્ટેશનો પર અટકાવી દેવામાં આવી હતી. ઘટના બન્યા બાદ હજારો મુસાફરો ટ્રેનોમાં, રસ્તામાં તેમ જ વિવિધ સ્ટેશનો પર અટવાઈ જતાં તેમ જ જુદાં-જુદાં સ્થળોએ જવા માગતા અસંખ્ય મુસાફરો માટે અમદાવાદ, સાબરમતી, વિરમગામ, મહેસાણા, ગાંધીધામ અને પાલનપુરમાં રેલવેએ હેલ્પલાઇન નંબરો જાહેર કર્યા હતા.
મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ જતી અને આવતી ડબલ-ડેકર એક્સપ્રેસ, બોરીવલીથી નંદુરબાર એક્સપ્રેસ, ગુજરાત એક્સપ્રેસ અને બોરીવલી-વટવા એક્સપ્રેસને રદ કરવામાં આવતાં તેમ જ મુંબઈ–અમદાવાદ વચ્ચેની શતાબ્દી એક્સપ્રેસ અને મુંબઈ–ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસને વડોદરા સુધી ચલાવતાં મુંબઈથી અમદાવાદ આવતા હજારો મુસાફરો ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતા.
ADVERTISEMENT
આજે રદ રહેનારી ટ્રેનો કઈ?
- નંદુરબાર–બોરીવલી એક્સપ્રેસ
- અમદાવાદ–એકતાનગર જન શતાબ્દી એક્સપ્રેસ
- એકતાનગર–અમદાવાદ જન શતાબ્દી એક્સપ્રેસ
- વડોદરા–વટવા સંકલ્પ ફાસ્ટ પૅસેન્જર
- વટવા–વડોદરા સંકલ્પ ફાસ્ટ પૅસેન્જર
- આણંદ–વટવા મેમુ
- વટવા–આણંદ મેમુ
- વટવા–વડોદરા મેમુ
- વટોદરા-વટવા મેમુ
- ૨૬ માર્ચે બોરીવલી–વટવા એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે

