ઘોડેસવારીની ડ્રસાઝ ઇવેન્ટમાં જુહુમાં રહેતા અને મૂળ કચ્છના સાનગરા ગામના હૃદય છેડાએ એશિયન ગેમ્સમાં ભારતનું નામ રોશન કર્યું : તેની ટીમને લીધે ભારતને ઘોડેસવારીમાં ૪૧ વર્ષ પછી પ્રથમ વાર ગોલ્ડ મેડલ મળ્યો
હૃદય છેડા તેના ઘોડા એમરલ્ડે સાથે
મુંબઈના કચ્છી વીસા ઓસવાળ જૈન ૨૫ વર્ષના હૃદય છેડા સાથે તેની ટીમના અન્ય ઘોડેસવારો અનુષા અગ્રવાલ, દિવ્યકૃતિ સિંહ અને સુદીપ્તિ હજેલાએ ગઈ કાલે ઘોડેસવારીમાં એશિયન ગેમ્સ-૨૦૨૩માં ડ્રસાઝ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ અને ટૉપ ઑફ ધ પોડિયમ ફિનિશ મેળવવામાં સફળતા મેળવી હતી. ભારતને ઘોડેસવારીમાં ૪૧ વર્ષ પછી પ્રથમ વાર ગોલ્ડ મેડલ મળ્યો છે. આ સાથે એશિયન ગેમ્સમાં ભારતના રમતવીરોને આ ત્રીજો ગોલ્ડ મેડલ મળ્યો છે.
આ ચારેય ઘોડેસવારોએ તેમના સંબંધિત ઘોડાઓ સાથે ૨૦૯.૨૦૫નો સ્કોર કર્યો હતો. એશિયન ગેમ્સમાં અશ્વારોહણમાં ભારતનો આ શ્રેષ્ઠ શો રહ્યો છે.
ADVERTISEMENT
ભારતીય ટીમે શરૂઆતના સમયગાળામાં ત્રીજા સ્થાને ખસી ગયા બાદ શાનદાર પુનરાગમન કર્યું હતું. ચીન અને હૉન્ગકૉન્ગના ઘોડેસવારની સામે ભારતે આ ગેમ્સમાં ટોચના સ્થાને પહોંચીને ૧૦ કલાક સુધી ચાલેલી સ્પર્ધામાં ટોચનું સ્થાન મેળવવાનું સન્માન મેળવ્યું છે. આ સ્પર્ધામાં હૃદય છેડા અને તેના ઘોડા એમરલ્ડે ૬૯.૯૪૧ સ્કોર કર્યો હતો.
હૃદય છેડાએ પ્રથમ વખત ચીનમાં યોજાનારી એશિયન ગેમ્સમાં સ્થાન મેળવ્યું છે. હૃદય છેડાએ બાર્સેલોના અને ઍટલાન્ટા ઑલિમ્પિક રમતોમાં કૅનેડાનું પ્રતિનિધિત્વ કરનાર લિયોની બ્રામલની નજર હેઠળ જર્મનીમાં તાલીમ લીધી છે. તેણે એશિયન ગેમ્સમાં ભાગ લેતાં પહેલાં ત્રણ મહિના જર્મનીમાં ડ્રસાઝ કૅટેગરીની તાલીમ લીધી હતી. તેણે છ વર્ષની ઉંમરે અનેક સ્પર્ધાઓમાં નામના કરી હતી. તે જમનાબાઈ નરસી સ્કૂલનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, જ્યાં તેણે હંમેશાં સ્પોર્ટસમાં અવ્વલ નંબરે રહીને સ્કૂલનું નામ રોશન કર્યું છે. તેણે અનુભવ અને એક્સપોઝર મેળવવા માટે સ્થાનિક, પ્રાદેશિક અથવા યુવા સ્તરની સ્પર્ધાઓમાં અથવા પ્રદર્શનમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું.
મૂળ કચ્છના સાનગરા ગામના હૃદય છેડાએ તેની સફળતા વિશે વાત કરતા‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લા એક વર્ષમાં એશિયન ગેમ્સમાં સફળતા મેળવવા માટે ભૂલોને સુધારવા સાથે હાર્ડ વર્ક કર્યું હતું. અમારી આ સફળતા અમારી સખત મહેનતને પ્રતિબિંબિત કરે છે. આના માટે હું મારા કોચ કોરેન્ટિન પોટિયર અને કેમિલ જુડેટ ચેરેટ, પમફૌ ડ્રેસેજના અવિશ્વસનીય સમર્થન માટે આભારી છું. મારા ઘોડા એમરલ્ડના માલિક ઇલ્સે વાન ક્રેનનબ્રોક દ્વારા પ્રદાન કરવામાં આવેલી અમૂલ્ય સહાય માટે હું આભારી છું. આ ચૅમ્પિયનશિપમાં ઘણા પ્રતિભાશાળી રાઇડર્સ હતા. સતત પ્રયત્નો અને સમર્પણને કારણે ભારતને ગૌરવ અપાવવામાં અમને સફળતા મળી છે.’
દીકરાની સફળતાથી પ્રાઉડ ફીલ કરીએ છીએ એમ જણાવતાં હૃદય છેડાના પપ્પા વિપુલ છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હૃદય નાનપણથી જ રમતગમતમાં આગવા સ્થાને રહેતો આવ્યો છે. જીવનના સપનાને સાકાર થતું જોઈને મારા હૃદયની ખુશી વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી. મારી છાતી ગજગજ ફૂલી રહી છે. તે છ વર્ષનો હતો ત્યારે મેં તેને પહેલી વાર એકલો જાપલોપ મોકલ્યો હતો એ દિવસોની મને યાદ આવે છે. તેણે ક્યારેય પાછું વાળીને જોયું નથી. તેનું તીવ્ર સમર્પણ અને ધ્યાન એટલું બધું અદભુત છે કે એ જોઈને હું શ્યૉર હતો કે એક દિવસ તે તેના ટાર્ગેટને પૂરો કરવામાં પીછેહઠ નહીં કરે અને હાર્ડ વર્ક કરીને તેના ટાર્ગેટને હાંસલ કરીને રહેશે. મારો હંમેશાં એક જ પ્રયાસ હતો કે હું તેના મુકામ સુધી પહોંચવામાં તેને પૂરતો ટેકો આપું. મને તેના પર ગર્વ છે એવું કહેવું અલ્પોક્તિ હશે. તેણે હંમેશાં મારું હૃદય ગર્વથી તરબતર કયું છે. ગઈ કાલે ભારતના અશ્વારોહકો ગોલ્ડ મેડલ જીત્યા બાદ તરત જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને સૌને અભિનંદન આપ્યાં હતાં. હૃદયની ટીમે ગોલ્ડ મેડલ જીતીને દેશની સાથે અમારા પરિવારનું અને કચ્છી જૈન સમાજનું પણ નામ રોશન કર્યું છે.’
હ્રદયના પપ્પા ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું કામ કરે છે અને તેમને આ ગૅમ વિશે ખાસ કંઈ ખબર નથી, પણ તેમને વિશ્વાસ હતો કે આ તેમનો પુત્ર એશિયન ગેમ્સમાં જરૂર મેડલ જીતશે.

