બદલાપુરની સ્કૂલની બે બાળકી પર સફાઈ-કર્મચારીએ કરેલા જાતીય અત્યાચાર બાદ સરકારે નીમેલી કમિટીએ સુપરત કરેલા રિપોર્ટમાં અનેક ભલામણો કરી
પ્રતીકાત્મક તસવીર
બદલાપુરની સ્કૂલના સફાઈ-કામદાર અક્ષય શિંદેએ બે બાળકીઓ પર કરેલા જાતીય અત્યાચારના સંદર્ભે લોકોમાં સખત રોષ ફેલાયો હતો અને રેલ રોકો પણ કરવામાં આવ્યું હતું. એ કેસમાં રાજ્ય સરકારે બે નિવૃત્ત ન્યાયાધીશની આગેવાનીમાં એક કમિટી બનાવી હતી. આ કમિટીને આ મુદ્દે ઝીણટભરી તપાસ કરી આવું ફરી ન બને એ માટે શું પગલાં લેવાવાં જોઈએ એનો અહેવાલ આપવા જણાવ્યું હતું. કમિટીએ બુધવારે એ અહેવાલ કોર્ટમાં સબમિટ કર્યો હતો.
કમિટીએ આ બાબતે અમુક ભલામણો કરી છે અને એનો અમલ રાજ્યની તમામ સ્કૂલો અને એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં કરવામાં આવે એમ જણાવ્યું છે. ભલામણોમાં દરેક સ્કૂલમાં ક્લૉઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા ફરજિયાત બેસાડવાનું, દરેક સ્ટાફ મેમ્બરનું કૅરૅક્ટર સર્ટિફિકેટ લેવાનું, બાળકોને સ્કૂલમાં સુરક્ષિતપણે
લાવવા-લઈ જવાનું, બાળકોને ગુડ ટચ ઍન્ડ બૅડ ટચથી માહિતગાર કરવાનું સૂચન કર્યું છે. આની સાથે કમિટીએ સાઇબર ક્રાઇમની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો હોવાથી વિદ્યાર્થીઓને સાઇબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦થી પણ માહિતગાર કરવાનું કહેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
બૉમ્બે હાઈ કોર્ટનાં જસ્ટિસ રેવતી મોહિતે–ડેરે અને જસ્ટિસ નિલા ગોખલેએ રાજ્ય સરકારને કહ્યું છે કે તમે આ ભલામણો પર શું પગલાં લેવા માગો છો એનો બે અઠવાડિયાંમાં જવાબ આપો.

