ખબરીએ આપેલી ચોક્કસ માહિતીના આધારે અમે સોમવારે બપોરે એક વાહનને આંતરીને ચેક કરતાં એમાંથી ઘઉં, ચોખા અને કઠોળનો ૧.૪૯ લાખ રૂપિયાનો જથ્થો મળી આવ્યો હતો
પ્રતીકાત્મક તસવીર
ભિવંડીમાં સરકારી સ્કીમ હેઠળનું અનાજ રીટેલર્સ અને હોલસેલર્સને બારોબાર વેચી દેવામાં આવે છે એવી માહિતીના આધારે થાણે ક્રાઇમ બ્રાન્ચના ઑફિસરોએ સોમવારે વૉચ ગોઠવીને મોટો જથ્થો પકડી પાડ્યો હતો.
આ કાર્યવાહી વિશે માહિતી આપતાં ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૩ના અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર ધનરાજ કેદારે કહ્યું હતું કે ‘વૉચ દરમ્યાન ખબરીએ આપેલી ચોક્કસ માહિતીના આધારે અમે સોમવારે બપોરે એક વાહનને આંતરીને ચેક કરતાં એમાંથી ઘઉં, ચોખા અને કઠોળનો ૧.૪૯ લાખ રૂપિયાનો જથ્થો મળી આવ્યો હતો જે વંચિતોને પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ હેઠળ આપવામાં આવે છે. આ અનાજ ટ્રાન્સપોર્ટ કરવા માટે તેમની પાસે કાયદેસરની પરવાનગી પણ નહોતી અને આ અનાજ તેઓ ઓપન માર્કેટમાં વેચવા આવ્યા હતા. આ સંદર્ભમાં ૩ જણની ધરપકડ કરવામાં આવી હતી. એમાં રૅશનિંગની દુકાન ચલાવનાર બે જણ અને વાહનના ડ્રાઇવરનો સમાવેશ થાય છે.’
ADVERTISEMENT
ઐરોલીમાં દીવાલ ધસી પડી, પાર્ક કરેલાં ૬ વાહનોને નુકસાન
ઐરોલીના સેક્ટર-૨૦માં અચાનક દીવાલ ધસી પડવાનો બનાવ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં રેકૉર્ડ થયો હતો. એનો વિડિયો વાઇરલ થતાં લોકોએ ચોમાસામાં બનતા આવા અકસ્માતો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વિડિયો મુજબ શરૂઆતમાં બધું જ સામાન્ય જણાતું હતું. પછી અચાનક બિલ્ડિંગની બાઉન્ડરી-વૉલ જમીનમાં ધસી ગઈ હતી, જેને લીધે બાજુમાં કરેલી ફેન્સિંગ પણ તૂટી ગઈ હતી અને ત્યાં પાર્ક કરેલાં ૬ ટૂ-વ્હીલર પડી જતાં નુકસાન થયું હતું. કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ રહીશોએ તેમની સુરક્ષા અંગે ફરિયાદ કરી હતી.

