મંદિરના પ્રવેશદ્વારના ઉદ્ઘાટન પ્રસંગે બન્ને પક્ષના સમર્થકોએ એકબીજા સામે જોરદાર સૂત્રોચ્ચાર કર્યા
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
મહાયુતિના સાથી-પક્ષો ભારતીય જનતા પાર્ટી (BJP) અને એકનાથ શિંદેના વડપણ હેઠળની શિવસેનામાં ઘણા સમયથી તણખા ઝરી રહ્યા છે. ગઈ કાલે ડોમ્બિવલીમાં કુંભાર ખાણપાડા વિસ્તારમાં ગણેશઘાટ અને રાગાઈ મંદિરના પ્રવેશદ્વારના ઉદ્ઘાટન પ્રસંગ દરમ્યાન BJP અને શિવસેનાના કાર્યકરો સામસામે આવી ગયા હતા અને એકબીજા સામે જોરદાર સૂત્રોચ્ચાર કર્યો હતો. વિવાદ ટાળવા પોલીસે શિવસેનાના નગરસેવક વિકાસ મ્હાત્રેને તેમના ઘરમાં જ નજરકેદ કરી રાખ્યા હતા. પોલીસને પહેલેથી જ અંદાજ હતો કે વિવાદ થઈ શકે અને મામલો ગંભીર બની શકે. BJPના પ્રમુખ રવીન્દ્ર ચવ્હાણની ઉપસ્થિતિમાં આ ઉદ્ઘાટન થવાનું હતું.
વિકાસ મ્હાત્રેને નજરકેદ કરી લેવાયા હોવાની વાત તેમના સમર્થકોમાં ફેલાતાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો સ્પૉટ પર પહોંચી ગયા હતા. ત્યારે સામા પક્ષે રવીન્દ્ર ચવ્હાણના સમર્થકો પણ આવી પહોંચ્યા હતા. બન્ને તરફના કાર્યકરો ભારે ઉશ્કેરાયા હતા અને જોરદાર સૂત્રોચ્ચાર કર્યો હતો. જોકે મોટી સંખ્યામાં પોલીસે બંદોબસ્ત ગોઠવી રાખ્યો હતો એટલે વાત વણસતી અટકી હતી.


