ઍટ લીસ્ટ દિવસના ત્રણ વખત સવાર, બપોર અને સાંજ ચણ નાખવાની પરવાનગી આપો એવી રજૂઆત કરવામાં આવશે : કબૂતરોને બચાવવા માટે કાયદાકીય લડાઈ કાયદામાં રહીને લડવી પડશે એટલે BMCને વધુ ને વધુ લોકો સૂચનો અને વાંધાવચકા મોકલે એવી હાકલ
દાદર કબૂતરખાના
દાદર કબૂતરખાનાના વિવાદને લઈને પશુ-પક્ષીપ્રેમીઓ, જૈનો, પ્રશાસન અને એનો વિરોધ કરનારા બધા દ્વારા સામસામે ઘણીબધી દલીલો કરવામાં આવી છે. બૉમ્બે હાઈ કોર્ટે પણ આ બાબતે શું કરવું જોઈએ એ નક્કી માટે એક્સપર્ટ્સની ટીમ નીમવાનું સજેશન કર્યું છે અને લોકોનું શું કહેવું છે એ જાણવા પણ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ને કહ્યું છે. એથી BMCએ કબૂતરોને ચોક્કસ સમય માટે ચણ નાખવાની પરવાનગી આપવી જોઈએ કે નહીં એ જાણવા આજથી લોકો પાસેથી તેમનાં સૂચનો અને વાંધાવચકા ઈ-મેઇલ આઇડી પર મગાવ્યાં છે. BMCના ઑફિશ્યલ ઈ-મેઇલ આઇડી suggestions@mcgm.gov.in પર આ સૂચનો અને વાંધાવચકા મોકલી શકાશે. એથી હિન્દુ સમાજ, પશુ-પક્ષીપ્રેમીઓ, જૈનો, પશુ-પક્ષી માટે કામ કરતી સંસ્થાઓ અને નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન્સ (NGO) દ્વારા કબૂતરોને બચાવવા માટે વધુ ને વધુ ઈ-મેઇલ મોકલવાની હાકલ કરવામાં આવી છે. એના મેસેજ સોશ્યલ મીડિયામાં ફરી રહ્યા છે અને એ માટે આહવાન કરવામાં આવી રહ્યું છે. આ એક તક છે જેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો રિઝલ્ટ પર એની અસર પડી શકે છે એટલે આ તક ન ગુમાવતાં ઍક્શન લો અને ઈ-મેઇલ કરો એમ કહેવામાં આવી રહ્યું છે.
હિન્દુ સનાતન ધર્મ સહિષ્ણુ છે અને સાથે જ વર્ષોથી ગાયને અને શ્વાનને રોટલો આપવો, કીડિયારું પૂરવું, પક્ષીઓને ચણ નાખવું અને જીવમાત્ર પ્રત્યે દયાભાવ રાખવો એ નાનપણથી શીખવવામાં આવે છે. એથી તેમના માટે આ આસ્થાનો વિષય છે. થોડા વખત પહેલાં જ સુપ્રીમ કોર્ટે દિલ્હીને શ્વાનમુક્ત કરવાનો આદેશ આપ્યો હતો અને શ્વાનોને શેલ્ટરમાં રાખવાની વ્યવસ્થા કરવા કહ્યું હતું. એ સામે પણ શ્વાનપ્રેમીઓએ મોરચો કાઢ્યો હતો. અન્ય એક જૈન ભાઈએ કહ્યું હતું કે ‘ઑલરેડી આ માટેના મેસેજ ફરી જ રહ્યા છે. આવતી કાલથી પર્યુષણ ચાલુ થઈ રહ્યા છે ત્યારે વ્યાખ્યાન વખતે પણ આ મુદ્દે મહારાજસાહેબ દ્વારા લોકોને અવગત કરવામાં આવશે.’
વિરોધ કરનારાઓએ ટેક્નિકલ અને કાયદાકીય ક્લૅરિફિકેશન આપવું પડે
અત્યારે ચણ અને પાણી વગર કબૂતરો મરી રહ્યાં છે, ખરું જોતાં લિમિટેડ પરવાનગી આપીને પણ ચણ નાખવાનું ચાલુ કરાવીને સાથે-સાથે આ પ્રોસેસ થઈ શકી હોત એમ જણાવતાં એક જૈન શ્રેષ્ઠીએ કહ્યું હતું કે ‘સજેશન આપવામાં બહુ વાંધો નથી હોતો, પણ જે લોકો ઑબ્જેક્શન લેશે તેમણે તેમનાં મંતવ્યોને સાબિત કરતા ટેક્નિકલ અને કાયદાકીય પુરાવા આપવા પડે. તમારી ભાવના કે ફીલિંગ કંઈ પણ કહે, પણ જો તમે ઑબ્જેક્શન લો છો તો એ માટે તમારે નક્કર કારણો આપવાં જોઈએ. BMC પણ માત્ર સજેશન કે ઑબ્જેક્શનની સંખ્યા પર જઈને ડિસાઇડ ન કરી શકે. એ માટે નક્કર શું સામે આવે છે એનો તેમણે વિચાર કરવો પડે અને પછી જ નિર્ણય લઈ શકે.’

