બારમા ધોરણની ૯૧.૬૪ ટકા વિદ્યાર્થિનીઓ પાસ થઈ છે, જ્યારે એ સામે ૮૫.૭૦ ટકા છોકરાઓ પાસ થયા છે
દાદર-વેસ્ટમાં શિવાજી પાર્ક પાસે આવેલી બાલમોહન વિદ્યામંદિર સ્કૂલની દક્ષા પરબ CBSE બોર્ડના દસમા ધોરણમાં ૯૮.૮૦ ટકા સાથે સ્કૂલમાં ફર્સ્ટ આવતાં તેણે સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સેલિબ્રેશન કર્યું હતું. (તસવીર : આશિષ રાજે)
સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ગઈ કાલે દસમાનું અને બારમાનું રિઝલ્ટ જાહેર કર્યું હતું. દસમા ધોરણમાં ૨૩,૭૧,૯૩૯ સ્ટુડન્ટ્સે એક્ઝામ આપી હતી. એમાંથી ૨૨,૨૧,૬૩૬ સ્ટુડન્ટ્સ પાસ થયા હતા. આમ ૯૩.૬૬ ટકા સ્ટુડન્ટ્સ પાસ થયા હતા. ગયા વર્ષ કરતાં એમાં સહેજ વધારો થયો હતો. ગયા વર્ષે ૯૩.૬ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. એ જ પ્રમાણે બારમા ધોરણમાં ૧૬,૯૨,૭૯૪ વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી હતી. એમાંથી ૮૮.૩૯ ટકા એટલે કે ૧૪,૯૬,૩૦૭ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. ગયા વર્ષે આ આંકડો ૮૭.૯૮ ટકા હતો.
આ વર્ષે ફરી એક વાર દસમા અને બારમા ધોરણમાં છોકરીઓએ બાજી મારી હતી. બારમા ધોરણની ૯૧.૬૪ ટકા વિદ્યાર્થિનીઓ પાસ થઈ છે, જ્યારે એ સામે ૮૫.૭૦ ટકા છોકરાઓ પાસ થયા છે. દસમા ધોરણની ૯૫ ટકા છોકરીઓ પાસ થઈ છે. એની સામે છોકરાઓની સંખ્યા ૯૨.૬૩ ટકા રહી છે.
ADVERTISEMENT
ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓએ પણ સારું પર્ફોર્મ કર્યું હતું. બારમા ધોરણની એક્ઝામ આપનારા તમામેતમામ ૧૦૦ ટકા ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા હતા, જ્યારે દસમા ધોરણમાં આ આંકડો ૯૫ ટકા રહ્યો હતો.
CBSEની સ્કૂલોમાં અને એક્ઝામ સેન્ટર્સની સંખ્યામાં ગયા વર્ષ કરતાં આ વર્ષે વધારો થયો હતો. ૨૦૨૪માં બારમા ધોરણની ૧૮,૪૧૭ સ્કૂલ હતી જે ૨૦૨૫માં વધીને ૧૯,૨૯૯ થઈ હતી. એ જ પ્રમાણે એક્ઝામ સેન્ટર્સ પણ જે ૨૦૨૪માં ૭૧૨૬ હતાં એ ૨૦૨૫માં વધારીને ૭૮૩૭ કરવામાં આવ્યાં હતાં. દસમા ધોરણની ગયા વર્ષની ૨૫,૭૨૪ સ્કૂલ સામે આ વર્ષે ૨૬,૬૭૫ સ્કૂલ ખૂલી હતી. એથી એક્ઝામ સેન્ટર પણ ૭૬૦૩થી વધારીને ૭૮૩૭ કરવામાં આવ્યાં હતાં.

