દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP)ની ગણપતિની મૂર્તિ પરના પ્રતિબંધ બાબતે હાઈ કોર્ટમાં અરજી કરીને સમય માગવામાં આવશે
દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP)ની ગણપતિની મૂર્તિ પરના પ્રતિબંધ બાબતે હાઈ કોર્ટમાં અરજી કરીને સમય માગવામાં આવશે. PoPની મૂર્તિથી પર્યાવરણને કેટલું નુકસાન થાય છે એનું રિસર્ચ કરવા માટે સરકારે સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી કમિશનના ચીફ અનિલ કાકોડકરની અધ્યક્ષતામાં એક કમિટી બનાવી છે. અમે પૉલ્યુશન થાય એવું નથી ઇચ્છતા. PoPની મૂર્તિથી પૉલ્યુશનને ઓછું કરી શકાય કે સાવ ખતમ કરી શકાય એનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કાકોડકર કમિટીનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી PoPની મૂર્તિ પર પ્રતિબંધ ન મૂકવામાં આવે એવી માગણી હાઈ કોર્ટમાં કરીશું.’
મુંબઈમાં ચાલી રહેલા બજેટસત્રમાં વિધાન પરિષદના વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેએ કહ્યું હતું કે ‘રાજ્યના પર્યાવરણ વિભાગે PoPની મૂર્તિ પર મૂકેલા પ્રતિબંધથી રાજ્યભરના ૧૩,૦૦૦ મૂર્તિકારો અને તેમના પરિવારો મુશ્કેલીમાં મુકાઈ જશે. રાજ્ય સરકારે આ બાબતે કોર્ટમાં રિવ્યુ પિટિશન કરવી જોઈએ.’
ADVERTISEMENT
અંબાદાસ દાનવેને જવાબ આપતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘આપણે ગણેશોત્સવ પરંપરાથી ઊજવીએ છીએ એટલે આ ઉત્સવ પર કોઈ પણ પ્રકારનું બંધન ન હોવું જોઈએ. છેલ્લાં ૪-૫ વર્ષથી અમે PoPની મૂર્તિ પર પ્રતિબંધ મૂકવાનો વિરોધ કરી રહ્યા છીએ. ગયા વર્ષે બૉમ્બે હાઈ કોર્ટે કહ્યું હતું કે છેલ્લી વાર PoPની મૂર્તિની પરવાનગી આપવામાં આવી છે. એ સમયે સરકારે હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પોતાનો પક્ષ રાખ્યો હતો. આ પ્રતિબંધ રાજ્ય સરકારે નહીં પણ સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડે મૂક્યો છે અને આ પ્રતિબંધનો અમલ કરવા માટે બૉમ્બે હાઈ કોર્ટે રાજ્યની મહાનગરપાલિકાઓને નિર્દેશ આપ્યો હતો.’

