નાલાસોપારાના લૅન્ડ સ્કૅમમાં સંડોવાયેલા વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ડિરેક્ટરના ઘરેથી આટલો દલ્લો મળ્યો
EDએ વાય. એસ. રેડ્ડીનાં મુંબઈ અને હૈદરાબાદનાં ૧૩ લોકેશન પર દરોડા પાડ્યા હતા.
નાલાસોપારાના સંતોષ ભુવન વિસ્તારમાં વસઈ-વિરાર મ્યુનિસિપિલ કૉર્પોરેશન (VVMC)ના ડમ્પિંગ ગ્રાઉન્ડ અને સિવરેજ પ્લાન્ટના પ્લૉટ માટે અનામત રખાયેલી ૩૫ એકર જમીન પર ગેરકાયદે ૪૧ જેટલાં બિલ્ડિંગ ઊભાં કરી દેનારા VVMCના ભૂતપૂર્વ કૉર્પોરેટર સીતારામ ગુપ્તા અને તેમના ભાઈ અરુણ ગુપ્તા સહિત અન્ય લોકો સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે મની-લૉન્ડરિંગનો કેસ દાખલ કરીને એની તપાસ શરૂ કરી હતી. તપાસ દરમ્યાન જણાઈ આવ્યું હતું કે તેમને આ ગેરકાયદે મકાનો ઊભાં કરવામાં VVMCના ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ડિરેક્ટર વાય. એસ. રેડ્ડી મદદ કરતા હતા. આમ તેમની સંડોવણી જણાઈ આવી હતી. બુધવારે EDએ વાય. એસ. રેડ્ડીનાં મુંબઈ અને હૈદરાબાદનાં કુલ ૧૩ લોકેશન પર એકસાથે રેઇડ પાડી હતી. એ રેઇડની માહિતી આપતાં ગઈ કાલે EDએ કહ્યું હતું કે ‘રેઇડમાં ૮.૬ કરોડની કૅશ અને ૨૩.૨૫ કરોડની કિંમતના હીરાજડિત દાગીના અને સોના-સાંદી મળી આવ્યાં હતાં. સાથે જ ઘણા બધા વાંધાજનક દસ્તાવેજો પણ મળી આવ્યા હતા જે મોટા પાયે તેઓ આ કૌભાંડમાં સંડાવાયેલા હોવાનો ઇશારો કરતા હતા.’
ADVERTISEMENT
બૉમ્બે હાઈ કોર્ટે જુલાઈ ૨૦૨૪માં એ ગેરકાયદે ઊભાં કરી દેવાયેલાં ૪૧ બિલ્ડિંગો તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. એથી VVMCએ ફેબ્રુઆરી ૨૦૨૫માં એ બિલ્ડિંગો તોડી પાડતાં ૨૫૦૦ જેટલા પરિવારો રોડ પર આવી ગયા હતા. સીતારામ ગુપ્તા અને અરુણ ગુપ્તા સામે છેતરપિંડી સહિતની અનેક ફરિયાદો કરવામાં આવી હતી. તેમણે એ ગેરકાયદે બિલ્ડિંગો બનાવીને એના ફ્લૅટ્સ લોકોને વેચ્યા હતા જેમાં લોકોએ તેમની જિંદગીભરની મૂડી લગાવી દીધી હતી.
આ પહેલાં વાય. એસ. રેડ્ડી લાંચ આપવાના કેસમાં પકડાયા હતા
વાય. એસ. રેડ્ડી આ પહેલાં શિવસેનાના નગરસેવકને લાંચ આપતાં પકડાયા હતા. વાય. એસ. રેડ્ડીએ ભ્રષ્ટાચાર કરીને અનેક ગેરકાયદે મકાનો બનવા દીધાં હોવાથી શિવસેનાના નગરસેવક ધનંજય ગાવડેએ તેમની સામે તુળીંજ, નાલાસોપારા અને વિરાર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. એ પછી પણ એ ફરિયાદો પર કોઈ ઍક્શન લેવાતી ન હોવાથી હાઈ કોર્ટમાં એ માટે અરજી દાખલ કરી હતી. એ અરજીને આગળ વધારવામાં ન આવે એ માટે વાય. એસ. રેડ્ડીએ ધનંજય ગાવડેને એક કરોડ રૂપિયા લાંચ આપવાનું નક્કી કર્યું હતું અને એમાંથી ૨૫ લાખનો પહેલો આપતી વખતે ઍન્ટિ-કરપ્શન બ્યુરોએ તેમને રંગેહાથ ઝડપી લીધા હતા.

