EDએ મુંબઈ-સુરતની આંગડિયા ઑફિસોમાં દરોડા પાડીને ૬.૩૦ કરોડ રૂપિયા જપ્ત કર્યા
EDએ મુંબઈ અને સુરતની આંગડિયા ઑફિસમાં દરોડા પાડીને ૬.૩૦ કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા.
મેસર્સ પ્લૅટિનમ હર્ન પ્રાઇવેટ લિમિટેડની ટોરેસ જ્વેલરી ઇન્વેસ્ટમેન્ટ સ્કૅમની તપાસ કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ મુંબઈ અને સુરતની આંગડિયા ઑફિસોમાં દરોડા પાડીને ૬.૩૦ કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી હોવાનું જાણવા મળ્યું હતું. EDએ ગુરુવારે પાડેલા દરોડામાં આંગડિયાની ઑફિસોમાંથી વાંધાજનક ડિજિટલ ઉપકરણ પણ તાબામાં લીધાં હતાં. ટોરેસ જ્વેલરીમાં રોકાણ કરીને અઠવાડિયામાં સાતથી અગિયાર ટકા જેટલું ઊંચું વ્યાજ આપવાની ઑફરથી લલચાઈને અસંખ્ય લોકોએ આ કંપનીમાં રોકાણ કર્યું હતું. જોકે બાદમાં કંપનીએ વ્યાજ આપવાનું બંધ કરી દીધું અને રાતોરાત ટોરેસ જ્વેલરી શો રૂમ્સ બંધ થઈ ગયાં હતાં. કંપનીના માલિકો અને પદાધિકારીઓ દ્વારા કૅશની હેરાફેરી કરવા માટે મોટા પ્રમાણમાં હવાલા ઑપરેટરોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું તપાસમાં જણાઈ આવતાં EDએ હવાલા ઑપરેટર અલ્પેશ ખારાની ધરપકડ કરી હતી. તેની પૂછપરછમાંથી જણાઈ આવ્યું છે કે રોકડ રકમની હેરફેર આંગડિયાઓની ઑફિસોમાંથી પણ કરવામાં આવી છે. આથી EDએ મુંબઈ અને સુરતમાં આવેલી કેટલીક આંગડિયાની ઑફિસોમાં દરોડા પાડ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

