ટીમે આઉટલેટનું FSSAIનું લાઇસન્સ સસ્પેન્ડ કરતાં પહેલાં પરીક્ષણ માટે કાજુ કતરીના નમૂના પણ કલેક્ટ કર્યા હતા.
ફાઇલ તસવીર
મુંબઈની ચર્ની રોડની જાણીતી મીઠાઈની દુકાન તિવારી બ્રધર્સમાંથી ખરીદેલી કાજુ કતરીમાં કાટ લાગેલી સ્ટેપલર પિન મળી હોવાની ફરિયાદ થવાને કારણે ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ના ઑફિસરોએ સોમવારે ત્યાં જઈને તપાસ કરી હતી અને ત્યાં સ્વચ્છતા ન જણાતાં એનું ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI) દ્વારા ઇશ્યુ કરાતું ફૂડ-લાઇસન્સ કૅન્સલ કર્યું હતું. જોકે અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘તપાસ હજી પ્રારંભિક તબક્કામાં છે અને કાટ લાગેલી સ્ટેપલર પિન મીઠાઈની અંદર કેવી રીતે પહોંચી એ નક્કી કરવું બહુ જ વહેલું ગણાશે. પ્રથમ નજરે અમે ખાતરી કરી શકતા નથી કે મામલો શું છે. એ તેમને બ્લૅકમેઇલ કરવાનો પ્રયાસ પણ હોઈ શકે છે. અમને હજી સુધી ખબર નથી. અમે નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે કાટવાળી સ્ટેપલર પિન મીઠાઈના બૉક્સમાં અંદર મીઠાઈમાં કેવી રીતે લાગી.’
મુંબઈના રહેવાસી પ્રણય પાલવે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો અનુભવ શૅર કર્યો ત્યારે આ મુદ્દો સૌપ્રથમ પ્રકાશમાં આવ્યો હતો. તેની પોસ્ટ મુજબ તેણે ૨૯ જુલાઈએ ઑપેરા હાઉસની સામે આવેલી દુકાનમાંથી ૫૦૦ ગ્રામનું કાજુ કતરીનું બૉક્સ ખરીદ્યું હતું. તે તેની ૩ વર્ષની પુત્રીને મીઠાઈનો ટુકડો ખવડાવવા જઈ રહ્યો હતો ત્યારે તેને કંઈક અસામાન્ય લાગ્યું. નજીકથી જોતાં મીઠાઈની અંદર કાટ લાગેલી એક પિન મળી આવી હતી. એ પછી તે મીઠાઈના બૉક્સ સાથે દુકાન પર પાછો ફર્યો અને બાદમાં FDAને ઔપચારિક ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદને કારણે ફૂડ-સેફ્ટીના અધિકારીઓએ ચર્ની રોડ આઉટલેટનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમ્યાન તેમને સ્વચ્છતા સંબંધિત ખામીઓ મળી આવી હોવાનું જાણવા મળ્યું હતું. ટીમે આઉટલેટનું FSSAIનું લાઇસન્સ સસ્પેન્ડ કરતાં પહેલાં પરીક્ષણ માટે કાજુ કતરીના નમૂના પણ કલેક્ટ કર્યા હતા.
