ગણપતિ આજે વિદાય લઈ રહ્યા છે એવા ટાણે જ ૪૦૦ કિલો RDX સાથે ૩૪ વાહનોમાં માનવબૉમ્બ ગોઠવીને મુંબઈને ઉડાવવા ૧૪ પાકિસ્તાની આતંકવાદીઓ શહેરમાં આવી ગયા છે એવી ધમકી મળી ટ્રાફિક પોલીસને
ગઈ કાલે ગિરગામ ચોપાટી પર મુંબઈના પોલીસ કમિશનર દેવેન ભારતીએ વિસર્જનની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. તસવીરઃ સૈયદ સમીર અબેદી
કી હાઇલાઇટ્સ
- ૪૦૦ કિલો RDX, ૩૪ વાહનોમાં માનવબૉમ્બ, ૧૪ પાકિસ્તાની આતંકવાદી અને ટાર્ગેટ મુંબઈ
- વિસર્જનના આગલા દિવસે મુંબઈ ટ્રાફિક પોલીસને વૉટ્સઍપ પર મળેલી આવી ધમકી બાદ શહેરમાં અલર્ટ
- મેસેજ ક્યાંથી આવ્યો છે અને કોણે મોકલ્યો છે એની ચકાસણી શરૂ
આખા મુંબઈને ધ્રુજાવી દે એવો શક્તિશાળી આતંકવાદી હુમલો કરવાની ધમકી મુંબઈ ટ્રાફિક પોલીસને મળી છે. ૪૦૦ કિલો RDX સાથે ૩૪ માનવબૉમ્બ મુંબઈને ઉડાવવા આવી રહ્યા છે, ૩૪ વાહનોમાં આ માનવબૉમ્બ મુકાયેલા છે, આ કાવતરાને અંજામ આપવા માટે ૧૪ પાકિસ્તાની આતંકવાદીઓ શહેરમાં પહોંચી ચૂક્યા છે એવો મેસેજ મુંબઈ ટ્રાફિક પોલીસને વૉટ્સઍપ પર મોકલીને આ હુમલો લશ્કર-એ-જિહાદી દ્વારા કરવામાં આવશે એવું કહેવામાં આવ્યું હતું.
૪૦૦ કિલો RDX એક કરોડ લોકોને મોતને ઘાટ ઉતારી શકે છે. આવા શક્તિશાળી હુમલાની ધમકી બાદ મુંબઈ પોલીસે આખા શહેરને હાઈ અલર્ટ પર મૂક્યું હતું. મુંબઈ પોલીસના સાઇબર અને ઍન્ટિ-ટેરર યુનિટે મેસેજ ક્યાંથી આવ્યો છે અને કોણે મોકલ્યો છે એની ચકાસણી શરૂ કરી હતી. ઉપરાંત ભીડવાળી જગ્યાઓ, ગણપતિના પંડાળો જેવી મુખ્ય જગ્યાઓએ સુરક્ષા વધારી હતી.
ADVERTISEMENT
મુંબઈ પોલીસના અધિકારીએ લોકોને આવા સમયમાં શાંતિ રાખવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે ‘મુંબઈ ટ્રાફિક પોલીસની વૉટ્સઍપ હેલ્પલાઇન પર અગાઉ પણ આવી ધમકીઓ મળી છે. ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ પણ કાર્યરત છે. અમે ધમકી આાપનાર વિશે માહિતી મેળવી રહ્યા છીએ. અગાઉ પણ આવી ધમકી લોકોમાં ભયનો માહોલ ઊભો કરવા માટે આપવામાં આવી હતી છતાં પોલીસે આખા શહેરમાં સુરક્ષા વધારી દીધી છે. લોકોએ પણ અફવા પર ભરોસો કર્યા વગર શાંતિ જાળવવી.’

