આ કેસમાં ફરાર આરોપી રમાબાઈનગરમાં આવ્યો છે. ત્યાર બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી
અનિલ ઉર્ફે બૉબી જંગમની પંતનગર પોલીસે ધરપકડ કરી હતી.
અમદાવાદના નારોલમાં મિત્રના ફ્લૅટમાં મંગળવારે સવારે પત્ની રીનાની ધારદાર શસ્ત્રથી હત્યા કરીને ઘાટકોપર-ઈસ્ટના રમાબાઈનગરમાં આવીને છુપાઈ બેઠેલા અનિલ ઉર્ફે બૉબી જંગમની પંતનગર પોલીસે ધરપકડ કરી હતી. અમદાવાદમાં હત્યાને અંજામ આપ્યા બાદ અનિલ મુંબઈ ભાગી આવ્યો હોવાની માહિતી ગુજરાતની નારોલ પોલીસને મળતાં આ વિશે મુંબઈ પોલીસને જાણ કરવામાં આવી હતી. એના આધારે ટેક્નિકલ ટીમ દ્વારા તપાસ કરવામાં આવતાં આરોપી રમાબાઈનગરમાં આવ્યો હોવાની ખાતરી થવાથી પોલીસે છટકું ગોઠવીને તેની ધરપકડ કરીને વધુ તપાસ માટે તેનો તાબો ગુજરાત પોલીસને સોંપ્યો હતો.
પંતનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજેશ કેવલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી અનિલ અને તેની પત્ની રીના રમાબાઈનગરમાં ૨૦૧૭થી રહેતાં હતાં. દરમ્યાન અનિલને રીનાના ચારિત્ર્ય પર શંકા જતાં તેણે રીનાની હત્યા કરવાનું નક્કી કરીને સોમવારે અમદાવાદના નારોલમાં તેના એક મિત્રના ઘરે રીનાને લઈ ગયો હતો. ત્યાં મંગળવારે સવારે દસ વાગ્યાની આસપાસ તેણે રીનાને પેટમાં છરી મારી ગંભીર ઈજાઓ પહોંચાડીને ક્રૂરતાથી તેની હત્યા કરી હતી. એની જાણ સ્થાનિક નારોલ પોલીસને થતાં અનિલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. દરમ્યાન આરોપી ત્યાંથી નાસી ગયો હોવાની માહિતી મળતાં તે મુંબઈ આવ્યો હોય એવી શંકા સાથે અમને જાણ કરવામાં આવી હતી. આ માહિતીના આધારે આરોપીના મોબાઇલ ફોનનું લોકેશન મેળવ્યા બાદ અમને ખબર પડી હતી કે આ કેસમાં ફરાર આરોપી રમાબાઈનગરમાં આવ્યો છે. ત્યાર બાદ અમે આરોપીની ધરપકડ કરી હતી.’

