મોટા ભાગની ઇવેન્ટ્સ અમદાવાદ અને ગાંધીનગર એમ બન્ને શહેરોમાં યોજાવાની અપેક્ષા છે પરંતુ ક્રિકેટ જેવી રમતની બહુવિધ મૅચો માટે વધુ સ્થળોની જરૂર પડી શકે છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ભારતીય ઑલિમ્પિક્સ અસોસિએશન (IOA)ના CEO રઘુરામ ઐયરે 2030 કૉમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટ મૅચના વેન્યુ વિશે મોટું નિવેદન આપ્યું છે. મોટા ભાગની ઇવેન્ટ્સ અમદાવાદ અને ગાંધીનગર એમ બન્ને શહેરોમાં યોજાવાની અપેક્ષા છે પરંતુ ક્રિકેટ જેવી રમતની બહુવિધ મૅચો માટે વધુ સ્થળોની જરૂર પડી શકે છે.
રઘુરામ ઐયર કહે છે કે ‘ક્રિકેટ મૅચ માટે આયોજકો અમદાવાદ નજીક વડોદરા જેવાં સ્થળો શોધી કાઢશે, પરંતુ એ હજી વિચારણાના તબક્કામાં છે. ૨૦૩૦ની કૉમનવેલ્થ ગેમ્સમાં T20 ફૉર્મેટમાં ક્રિકેટ એક ઇવેન્ટ હશે. ૨૦૨૨ બર્મિંગહૅમ કૉમનવેલ્થ ગેમ્સમાં પહેલી વખત વિમેન્સ T20 ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ મેન્સ ક્રિકેટ ઇવેન્ટનો ૨૦૩૦ની આવૃત્તિમાં સમાવેશ થશે કે નહીં એની સ્પષ્ટતા થઈ નથી. કૉમનવેલ્થ ગેમ્સમાં મેન્સ ક્રિકેટ ૧૯૯૮માં મલેશિયામાં વન-ડે ફૉર્મેટમાં રમાયું હતું જેમાં સાઉથ આફ્રિકા ગોલ્ડ મેડલ જીત્યું હતું.


