પહલગામની બૈસરન વૅલીમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ સહેલાણીઓનાં મોત થયાં છે અને આખા દેશમાં આતંકવાદીઓના એ કૃત્યને વખોડવામાં આવી રહ્યું છે
પ્રતીકાત્મક તસવીર
પહલગામની બૈસરન વૅલીમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ સહેલાણીઓનાં મોત થયાં છે અને આખા દેશમાં આતંકવાદીઓના એ કૃત્યને વખોડવામાં આવી રહ્યું છે. એની સાથે જ હાલ ત્યાં ગયેલા સહેલાણીઓને જમ્મુ-કાશ્મીરમાંથી સુરક્ષિત પાછા લાવવામાં આવી રહ્યા છે ત્યારે કાશ્મીરની ટૂર પર ગયેલી મહારાષ્ટ્રની બે મહિલાઓનું કહેવું છે કે તેઓ કાશ્મીરની ટૂર પૂરી કરીને જ પાછી ફરશે.
ઇન્સ્ટાગ્રામ પર એક મહિલાએ લખ્યું છે કે ‘ઘણા બધા લોકોએ અમને દબાણ કર્યું કે વહેલી તકે ફ્લાઇટની ટિકિટ બુક કરાવીને પાછા આવી જાઓ, પાછળથી બીજી વાર ફરવા જજો. જે બન્યું છે એ બહુ બિહામણું છે, પણ અમને ડર નથી લાગી રહ્યો. અમે પહલગામથી નીકળી જઈશું, પણ કાશ્મીર જોઈને જ પાછા ફરીશું.’
ADVERTISEMENT
બીજી મહિલાએ આ બાબતે લખ્યું છે કે ‘અમે અહીંના સ્થાનિક લોકો પર વિશ્વાસ મૂકી રહ્યા છીએ. તેઓ જે રીતે અમારી સંભાળ રાખી રહ્યા છે એ જોતાં અમે કહી શકીએ કે તેમણે અમારો વિશ્વાસ જીત્યો છે. તેમણે હંમેશાં અમને મદદ કરી છે. અમારો ડ્રાઇવર જે શરૂઆતથી અમારી સાથે છે તેણે ક્યારેય હોટેલ પર છોડતી વખતે અમને અમારો ધર્મ નથી પૂછ્યો. તે પોતાની સેફ્ટીનો ક્યારેય વિચાર નથી કરતો, પણ અમારી સેફટીને હંમેશાં પ્રેફરન્સ આપે છે. આ જગ્યા બહુ જ સુંદર છે એટલે અમે અમારી ટૂર કન્ટિન્યુ કરવાના છીએ.’

