Zeeshan Siddique Death Threat: હવે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો આ કેસ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી-એક્સટોર્શન સેલ (AEC)ને સોંપવામાં આવ્યો છે.
ઝીશાન સિદ્દીકીની ફાઇલ તસવીર
Zeeshan Siddique Death Threat: મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચે ગુરુવારે મુંબઈના ભૂતપૂર્વ ધારાસભ્ય ઝીશાન સિદ્દીકીને જાનથી મારી નાખવાની ધમકીવાળા જે ઈમેલ મળ્યા હતા તે મામલાની તપાસ પોતાના હાથમાં લીધી હોવાની વાત જાણવા મળી છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
અધિકારીએ આ મામલે જણાવ્યું હતું કે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો કેસ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી-એક્સટોર્શન સેલ (AEC)ને સોંપવામાં આવ્યો છે. આ અઠવાડિયાની શરૂઆત થઈ ત્યારે જ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા ઝીશાન સિદ્દીકીને જાનથી મારી નાખવાની ધમકી આપતો ઈમેલ મળ્યો હતો.
ADVERTISEMENT
આ સમગ્ર ઘટનાક્રમ તરફ નજર કરીએ તો આ ઈમેલ ઝીશાનના (Zeeshan Siddique Death Threat) પિતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની ૧૨ ઓક્ટોબરના રોજ થયેલી હત્યા બાદ છ મહિને આવ્યો છે. જો કે આ ઈમેલ મોકલનાર વ્યક્તિએ દાવો કર્યો હતો કે તે ભાગેડુ ગુનેગાર દાઉદ ઇબ્રાહિમ દ્વારા નિયંત્રિત `ડી-કંપની`નો સભ્ય છે અને આ ઈમેલમાં ઝીશાન પાસેથી ૧૦ કરોડ રૂપિયાની માંગણી પણ કરવામાં આવી હતી. આ ધમકીભર્યો ઈમેલ મોકલનાર વ્યક્તિએ એવી પણ ધમકી આપી હતી કે જો ભૂતપૂર્વ ધારાસભ્ય આ રકમ નહીં આપે તો તેની હાલત પણ તેના પિતા જેવી જ કરવામાં આવશે.
આ પ્રકારનો ઈમેલ મળ્યા બાદ દર છ કલાકે મોકલનાર તરફથી રિમાઇન્ડર ઇમેઇલ્સ (Zeeshan Siddique Death Threat) પણ આવ્યા કર્યા હતા. શરૂઆતમાં તો પૂર્વ ધારાસભ્ય ઝીશાન સિદ્દીકીએ આ ધમકીભર્યા ઈમેલને અવગણ્યો હતો. પરંતુ પહેલા ઈમેલના છ કલાક થયા ત્યાં જ બીજો ધમકીભર્યો ઈમેલ પણ આવ્યો હતો. ત્યારબાદ ઝીશાન સિદ્દીકે સોમવારે પોલીસનો સંપર્ક કર્યો અને આ મામલે કેસ નોંધવામાં આવ્યો હતો. જે સર્વર પરથી ઇમેઇલ્સ મોકલવામાં આવ્યા હતા તે યુનાઇટેડ સ્ટેટ્સની નજીકના દેશમાં ટ્રેસ કરવામાં આવ્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું.
"મને ડી-કંપની તરફથી મેઇલ દ્વારા ધમકી મળી હતી, જેમ કે મેઇલના અંતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેઓએ 10 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. પોલીસે વિગતો લીધી છે અને નિવેદન નોંધ્યું છે. આના કારણે અમારો પરિવાર પરેશાન છે" એમ NCP નેતાએ અગાઉ જણાવ્યું હતું.
આ મામલે અધિકારીએ જણાવ્યું હતું કે વધુ તપાસ ચાલી રહી છે. ૧૨ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ મુંબઈના બાંદ્રામાં ઝીશાન સિદ્દીકીની ઓફિસ નજીક ત્રણ હુમલાખોરોએ બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરી હતી. ત્યારબાદ લોરેન્સ બિશ્નોઈ ગેંગે એનસીપી નેતાની હત્યાની (Zeeshan Siddique Death Threat) જવાબદારી સ્વીકારી હતી. બાબા સિદ્દીકીની હત્યા કેસમાં મુંબઈ પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે પંજાબમાં ધરપકડ કરાયેલા મુખ્ય શંકાસ્પદ આકાશદીપ ગિલે માસ્ટરમાઇન્ડ અનમોલ બિશ્નોઈ સહિત મુખ્ય કાવતરાખોરો સાથે વાતચીત કરવા માટે એક મજૂરના મોબાઇલ હોટસ્પોટનો ઉપયોગ કર્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
આમ, ક્રાઈમ બ્રાન્ચ ઝીશાન સિદ્દીકીને મળેલા ધમકીઓના અગાઉના કેસોની તપાસ કરી રહી હોવાથી આ કેસ પણ ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે.

