મહારાષ્ટ્ર સરકારે ઍપ આધારિત ટૅક્સી માટે પૉલિસી બનાવીને પ્રવાસીઓને રાહત પહોંચાડી : પીક-અવર્સમાં નૉર્મલ કરતાં દોઢગણું ભાડું જ લઈ શકાશે
પ્રતીકાત્મક તસવીર
સુપ્રીમ કોર્ટે ઍપ આધારિત કૅબ ઑપરેટરો દ્વારા અપાતી સર્વિસ વધુ સેફ, વધુ ટ્રાન્સપરન્ટ અને કમ્યુટર-ફ્રેન્ડ્લી બની રહે એ માટે આપેલા નિર્દેશને પગલે મહારાષ્ટ્ર સરકારે ઍગ્રિગેટર કૅબ પૉલિસી ૨૦૨૫ બનાવી છે. ઍપ આધારિત ટૅક્સીનો ઉપયોગ કરતા પ્રવાસીઓની ફરિયાદો અને મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને ટૅક્સી-સર્વિસ પ્રોવાઇડ કરતી કંપનીઓ ઓલા, ઉબર અને રૅપિડોને સાંકળી લેતી આ પૉલિસીને કારણે પ્રવાસીઓને રાહત મળશે અને કંપનીઓ દ્વારા અપાતી સર્વિસમાં પણ એકસૂત્રતા જળવાશે.
આ પૉલિસી અંતર્ગત ઍગ્રિગેટરે પ્રૉપર લાઇસન્સ લેવું પડશે અને સેફ્ટી, ટેક્નિકલ અને ઑપરેટિંગના નિયમો પાળવા પડશે. જેમ કે GPS ટ્રૅકિંગ, ઇમર્જન્સી કૉન્ટૅક્ટ, ડ્રાઇવરોનું બૅકગ્રાઉન્ડ ચેક અને સાઇબર સિક્યૉરિટીની જરૂરિયાતો પૂરી કરવી પડશે. કંપનીઓએ પ્રવાસીઓની ફરિયાદ આવે તો એનો યોગ્ય અને ઝડપી નિકાલ લાવવા સિસ્ટમ ગોઠવવી પડશે.
ADVERTISEMENT
છેક છેલ્લી ઘડીએ ડ્રાઇવર દ્વારા કરવામાં આવતા કૅન્સલેશન, ભાડું વધી જવું અને સેફ્ટી, ખાસ કરીને મહિલાઓની સુરક્ષાના મુદ્દે ફરિયાદો મળી રહી હોવાથી આ પૉલિસી બનાવવાની જરૂર જણાઈ હતી.
પૉલિસીમાં સાંકળી લેવામાં આવેલા મુખ્ય મુદ્દા આ રહ્યા
- જો ડ્રાઇવર ટ્રિપ કૅન્સલ કરશે અથવા નજીકના અંતરે આવવા માટે ના પાડશે તો તેણે ઓછામાં ઓછા ૧૦૦ રૂપિયા અથવા ભાડાની ૨૫ ટકા પેનલ્ટી પ્રવાસીને આપવાની રહેશે જે કસ્ટમરના અકાઉન્ટમાં ડાયરેક્ટ ક્રેડિટ થશે.
- પીક અવર્સમાં ભાડું વધારી દેવામાં આવતું હોય છે. એવી પરિસ્થિતિમાં પણ મૅક્સિમમ નૉર્મલ કરતાં દોઢગણું ભાડું જ લઈ શકાશે.
- ઑફ પીક અવર્સમાં ૨૫ ટકા જેટલું ડિસ્કાઉન્ટ ઑફર કરવામાં આવશે.
- મહિલા પ્રવાસીઓની સુરક્ષા માટે મહિલા ડ્રાઇવરવાળી ટૅક્સી અથવા મહિલા કો-પૅસેન્જરની ડિમાન્ડ થઈ શકશે.
- દરેક કૅબમાં ફરજિયાત GPS (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ) લગાડવી પડશે.
- ડ્રાઇવરોને ભાડાની કુલ રકમમાંથી ૮૦ ટકા રકમ મળશે. કંપનીઓએ ડ્રાઇવરોનું ફરજિયાત પોલીસ વેરિફિકેશન કરાવવાનું રહેશે.
- જે ડ્રાઇવરોનું રેટિંગ પુઅર હશે તેમને કંપની ટ્રેઇનિંગ આપશે. જે ડ્રાઇવરની કૅબ કન્ડિશનમાં નહીં જણાય તેની સર્વિસ રોકી દેવામાં આવશે.

