હિન્દુઓ નવી શરૂઆત કરતાં પહેલાં ગણપતિબાપ્પાની પૂજા કરે છે. અમે ગણેશોત્સવનો સમય ઇરાદાપૂર્વક પસંદ નહોતો કર્યો
વિજયોત્સવ સરકારે મોટા ભાગની માગણીઓ માની લીધા પછી ગેલમાં આવી ગયેલા મરાઠાઓ. તસવીર ોઃ અતુલ કાંબળે, શાદાબ ખાન
‘મિડ-ડે’ને આપેલા ખાસ ઇન્ટરવ્યુમાં મરાઠા નેતા મનોજ જરાંગેએ મુંબઈગરાઓને આંદોલનને કારણે થયેલી હેરાનગતિ બદલ દિલગીરી વ્યક્ત કરી હતી તેમ જ તેમના આ કટોકટીભર્યા સમયમાં ધીરજ રાખવા બદલ મુંબઈગરાઓનો આભાર પણ માન્યો હતો.
આંદોલન માટે ગણેશોત્સવનો સમય પસંદ કરવા બાબતે જરાંગેએ જણાવ્યું હતું કે ‘હિન્દુઓ નવી શરૂઆત કરતાં પહેલાં ગણપતિબાપ્પાની પૂજા કરે છે. અમે ગણેશોત્સવનો સમય ઇરાદાપૂર્વક પસંદ નહોતો કર્યો, પણ બાપ્પાના આશીર્વાદ અમને મળ્યા એ બદલ અમે ખુશ છીએ.’
ADVERTISEMENT
અણ્ણા હઝારે જેવા લીડરોએ કરેલા આંદોલનમાં તેમને જોઈએ એવી સફળતા મળી નહોતી, તમને મળેલી સફળતાનું કારણ શું છે? આ પ્રશ્નના ઉત્તરમાં મનોજ જરાંગેએ જણાવ્યું હતું કે ‘અણ્ણા હઝારે દરેક આંદોલનકારીઓના આદર્શ છે. તેમણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન છેડ્યું હતું, પણ હજી ભ્રષ્ટાચારમાંથી દેશવાસીઓ મુક્ત થયા નથી. અમે પણ ઘણો વિરોધ સહન કર્યો છે, પણ આજે અમારી માગણીઓ સામાન્ય શરતો સાથે સ્વીકારાઈ અને અમારી જીત થઈ છે.’
૨૦૨૩થી મરાઠા અનામતનો ચહેરો બન્યા મનોજ જરાંગે પાટીલ
આંદોલનકારીઓ પાછા ગયા પછી હવે ગંદકીને દૂર કરવાનો પડકાર BMC સામે. તસવીર : સૈયદ સમીર અબેદી
મરાઠવાડાના મરાઠાઓને કુણબી તરીકેની માન્યતા મળે અને અધર બૅકવર્ડ ક્લાસ (OBC)માં તેમનો સમાવેશ થાય તો શિક્ષણ અને નોકરીમાં તેમને આરક્ષણ મળે એ હેતુથી મરાઠા અનામત આંદોલન શરૂ થયું હતું. મરાઠવાડાના બીડ તાલુકાના સામાજિક કાર્યકર મનોજ જરાંગે પાટીલ ૧૫ વર્ષ પહેલાં મરાઠા અનામત આંદોલનમાં જોડાયા હતા. મરાઠાને હૈદરાબાદ ગૅઝેટ મુજબ કુણબી સ્ટેટસ અપાય એ માગણી સાથે ૨૦૨૩ના સપ્ટેમ્બર મહિનામાં પહેલી વાર તેમણે ભૂખહડતાળ કરી હતી. ત્યારથી તેઓ મરાઠા આરક્ષણ આંદોલનનો ચહેરો બન્યા હતા. ધીમે-ધીમે તેમના સમર્થકો વધ્યા અને જુદા-જુદા તબક્કે સરકાર વિરુદ્ધ તેમણે મરાઠા અનામત માટે આંદોલનો કર્યાં હતાં. ગઈ કાલે મનોજ જરાંગેના પાંચ દિવસના આમરણાંત ઉપવાસ બાદ મરાઠા આરક્ષણની માગણીઓ સામે સરકાર ઝૂકી એને પગલે મરાઠા સમાજના મજબૂત અને લોકપ્રિય નેતા તરીકેનું તેમનું સ્થાન હજી દૃઢ થયું છે.
આંદોલનકારીઓ માટે સ્પેશ્યલ ટ્રેનો દોડાવાઈ
મરાઠા આરક્ષણ આંદોલન પૂરું થતાં આંદોલનકારીઓને વતન પાછા ફરવા માટે સેન્ટ્રલ રેલવેએ વધારાની ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો હતો. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી વાશી માટે બે ખાસ લોકલ ટ્રેનો દોડાવવામાં આવી હતી. એ ઉપરાંત CSMT અને લોકમાન્ય તિલક ટર્મિનસ (LTT)થી પણ મરાઠવાડા તરફનાં વિવિધ સ્ટેશનો માટે સ્પેશ્યલ ટ્રેનો દોડાવવામાં આવી હતી.
મરાઠા અને કુણબીને એક ગણવા બાબતે મરાઠાઓએ મુંબઈ જૅમ કર્યું તો અમે પણ કરીશું : છગન ભુજબળ
મરાઠાને કુણબી ગણવા બાબતે સરકારનું હકારાત્મક વલણ અધર બૅકવર્ડ ક્લાસ (OBC)ના નેતા છગન ભુજબળને ગમ્યું નથી. ભુજબળે જણાવ્યું હતું કે ‘હૈદરાબાદ ગૅઝેટને આધારે મરાઠાઓને અનામત આપવામાં આવ્યું છે, પરંતુ મરાઠા અને કુણબી અલગ છે. ૧૯૨૧ની નોંધણી મુજબ બે લાખ મરાઠા અને ૩૩,૦૦૦ કુણબી એમ જુદી-જુદી નોંધણી હતી. મરાઠા અને કુણબીને એક ગણવાની મૂર્ખતા કરવી ન જોઈએ. એમ કરીને OBCમાં મરાઠાઓને અનામત આપવા બદલ અમે પણ મુંબઈને જૅમ કરી શકીએ છીએ.’
જોકે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે મરાઠા અનામતને કારણે OBCને નુકસાન નહીં થાય એટલે તેમણે આંદોલન કરવાની જરૂર નથી.
જો સરકાર વાયદાથી ફરી જશે તો રાધાકૃષ્ણ વિખે પાટીલના ઘર સામે આંદોલનની જરાંગેની ચીમકી
કૅબિનેટની મરાઠા અનામત માટેની ઉપસમિતિ વાયદા મુજબ હૈદરાબાદ ગૅઝેટ બાબતે તાત્કાલિક ગવર્નમેન્ટ રેઝૉલ્યુશન (GR) બહાર તો પાડ્યું હતું, પણ મનોજ જરાંગેએ સ્પષ્ટતા કરી હતી કે અત્યારે તો આંદોલન પાછું ખેંચ્યું છે, પણ સરકાર એના વાયદાઓમાંથી ફરી જશે તો ઉપસમિતિના અધ્યક્ષ રાધાકૃષ્ણ વિખે પાટીલના ઘર સામે જ આંદોલન પર બેસીશું.
છત્રપતિ સંભાજીનગરની હૉસ્પિટલમાં દાખલ થવા ઊપડી ગયા મનોજ જરાંગે
મનોજ જરાંગેને લઈને નીકળેલી ઍમ્બ્યુલન્સ. તસવીર : શાદાબ ખાન
પાંચ દિવસના ઉપવાસનાં પારણાં કર્યા બાદ મનોજ જરાંગેની તબિયત લથડી હતી. જોકે જરાંગે વાયદા મુજબ મોડી સાંજે મુંબઈથી જાલના જવા માટે રવાના થઈ ગયા હતા. તેમને ઍમ્બ્યુલન્સમાં છત્રપતિ સંભાજીનગર તરફ લઈ જવામાં આવ્યા હતા. છત્રપતિ સંભાજીનગરના ઉલ્કાપુરી વિસ્તારમાં આવેલી એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં તેમની સારવાર માટેની તૈયારી કરવામાં આવી હતી. મોડી રાતે જરાંગે હૉસ્પિટલમાં પહોંચે એવી ગણતરી હતી. અગાઉ પણ જરાંગે આ હૉસ્પિટલમાં સારવાર લઈ ચૂક્યા છે. ત્યાંના ડૉક્ટરે કહ્યું હતું કે જરાંગેને સીધા
ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં દાખલ નહીં કરાય, તેમનું ચેક-અપ કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.
મરાઠા આંદોલનનો લાભ લઈને ફોર્ટમાં કચ્છી વેપારીની કપડાંની દુકાનમાં કેસરી સ્કાર્ફ પહેરી તસ્કરોએ કરી ચોરી
ફોર્ટમાં અમિત ગાલાની દુકાનનાં તૂટેલાં તાળાં.
મુંબઈના ફોર્ટ વિસ્તારમાં રઘુનાથ દાદાજી સ્ટ્રીટ પર કપડાંની દુકાનમાં શનિવારે મોડી રાતે તાળાં તોડીને તસ્કરોએ આશરે ૬૦૦૦ રૂપિયાની રોકડની ચોરી કરી હોવાની ફરિયાદ માલિક અમિત ગાલાએ MRA માર્ગ પોલીસ-સ્ટેશનમાં રવિવારે નોંધાવી હતી. મરાઠા અનામત વિરોધ-પ્રદર્શન માટે આઝાદ મેદાનમાં ભારે પોલીસ-બંદોબસ્તનો લાભ લઈને ચોરો કેસરી સ્કાર્ફ પહેરીને ચોરી કરતા ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાના ફુટેજમાં કેદ થયા હતા. પ્રાથમિક માહિતીના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
MRA માર્ગ પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર પ્રવીણ શિંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટના અંધેરીમાં રહેતા અમિત ગાલાની માલિકીની દુકાનમાં બની હતી. અમિત ગાલા શનિવારે રાત્રે દુકાનને તાળું મારીને ઘરે ગયા હતા, પરંતુ તે બીજા દિવસે સવારે પાછા ફર્યા ત્યારે તેમણે શટરનું તાળું તૂટેલું જોયું હતું. દુકાનની અંદર પ્રવેશતાં તેમણે જોયું કે આશરે ૬૦૦૦ રૂપિયાની રોકડ અને કપડાં ચોરાઈ ગયાં છે. દરમ્યાન તેમણે દુકાનના CCTV કૅમેરાનું ફુટેજ તપાસ્યું ત્યારે એમાં અજાણ્યા માણસો કેસરી સ્કાર્ફ પહેરીને તેમની દુકાનમાં પ્રવેશતા જોવા મળ્યા હતા. આ મામલે અમે ચોરીની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ કેસમાં ચોરોએ મરાઠા આંદોલન વચ્ચે કેસરી સ્કાર્ફનો ઉપયોગ કર્યો હોય એવી શક્યતા છે.’
-રિતિકા ગોંધળેકર

