વિધાનસભ્ય, સંસદસભ્ય અને ઉપરાષ્ટ્રપતિ માટેની ત્રણ-ત્રણ પેન્શન ઉપરાંત બંગલો અને સ્ટાફ પણ આપશે સરકાર
જગદીપ ધનખડ
ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને ભૂતપૂર્વ વિધાનસભ્ય, ભૂતપૂર્વ સંસદસભ્ય અને ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ ૩-૩ પેન્શન મળવાનાં છે અને આમ તેમને દર મહિને આશરે ૩ લાખ રૂપિયા પેન્શન તરીકે મળવાના છે. પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ રાજ્યપાલ તરીકે ધનખડ માટે કોઈ પેન્શનલાભ નથી, પરંતુ ભૂતપૂર્વ રાજ્યપાલ તરીકે તેઓ માસિક ૨૫,૦૦૦ રૂપિયાના ખર્ચે એક સચિવાલય સ્ટાફનો લાભ લઈ શકે છે.
રાજસ્થાનના ઝુન્ઝુનુ જિલ્લાના કિથાના ગામમાં જન્મેલા જગદીપ ધનખડે જનતા દળ સાથે રાજકીય કારકિર્દી શરૂ કરી હતી અને ૧૯૮૯માં ઝુન્ઝુનુથી સંસદસભ્ય બન્યા હતા. તેઓ ચંદ્રશેખર સરકારમાં પ્રધાનપદે પણ રહ્યા હતા. ત્યાર પછી તેઓ કૉન્ગ્રેસમાં જોડાયા હતા અને ૧૯૯૧ની લોકસભા ચૂંટણી લડ્યા હતા. જોકે તેઓ હારી ગયા હતા. ૧૯૯૩ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે કૉન્ગ્રેસની ટિકિટ પર ફરીથી પોતાનું નસીબ અજમાવ્યું હતું અને વિધાનસભ્ય બન્યા હતા. જગદીપ ધનખડ ૧૯૯૩થી ૧૯૯૮ સુધી અજમેર જિલ્લાની કિશનગઢ વિધાનસભા બેઠક પરથી કૉન્ગ્રેસના વિધાનસભ્ય રહ્યા હતા. ત્યાર બાદ તેમને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા હતા અને પછી ઉપરાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
વિધાનસભ્ય તરીકે ૪૨,૦૦૦ રૂપિયા પેન્શન
ઉપરાષ્ટ્રપતિપદ પરથી રાજીનામું આપ્યાના લગભગ ૪૦ દિવસ પછી જગદીપ ધનખડે રાજસ્થાન વિધાનસભામાં ભૂતપૂર્વ વિધાનસભ્ય તરીકે પેન્શન માટે અરજી કરી છે. ૧૯૯૩થી ૧૯૯૮ સુધી કિશનગઢ વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરનારા ધનખડને જુલાઈ ૨૦૧૯ સુધી ભૂતપૂર્વ વિધાનસભ્ય તરીકે પેન્શન મળતું હતું. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે નિયુક્ત થયા પછી એ બંધ કરવામાં આવ્યું હતું. ૨૧ જુલાઈએ ઉપરાષ્ટ્રપતિપદેથી રાજીનામું આપ્યા બાદ ઉપરાષ્ટ્રપતિ તરીકેનો તેમનો કાર્યકાળ સમાપ્ત થતાં ધનખડે રાજસ્થાન વિધાનસભા સચિવાલયમાં ભૂતપૂર્વ વિધાનસભ્ય તરીકે તેમનું પેન્શન ફરી શરૂ કરવા માટે નવેસરથી અરજી કરી છે. તેમનું પેન્શન બાવીસ જુલાઈથી શરૂ થશે. રાજસ્થાનમાં ભૂતપૂર્વ વિધાનસભ્ય માટે પેન્શન એક જ કાર્યકાળ માટે દર મહિને ૩૫,૦૦૦ રૂપિયાથી શરૂ થાય છે અને વધારાની મુદત અને ઉંમર સાથે વધે છે. ૭૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને ૨૦ ટકાનો વધારો મળે છે. ૭૪ વર્ષના ધનખડ ભૂતપૂર્વ વિધાનસભ્ય તરીકે દર મહિને ૪૨,૦૦૦ રૂપિયા પેન્શન મેળવવાના હકદાર છે.
ઉપરાષ્ટ્રપતિ તરીકે બે લાખ રૂપિયા પેન્શન
ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ તરીકે જગદીપ ધનખડને દર મહિને લગભગ બે લાખ રૂપિયાનું પેન્શન મળશે. આ ઉપરાંત ટાઇપ-8 બંગલો, એક પર્સનલ સેક્રેટરી, એક ઍડિશનલ પર્સનલ સેક્રેટરી, એક પર્સનલ અસિસ્ટન્ટ, એક ફિઝિશ્યન, એક નર્સિંગ ઑફિસર અને ચાર પર્સનલ અટેન્ડન્ટ મળે છે.
સંસદસભ્ય તરીકે ૪૫,૦૦૦ રૂપિયા પેન્શન
એક ટર્મના સંસદસભ્ય તરીકે તેઓ અન્ય લાભો ઉપરાંત પેન્શન તરીકે દર મહિને ૪૫,૦૦૦ રૂપિયા મેળવવાના હકદાર છે. ૧૯૮૯થી ૧૯૯૧ દરમ્યાન તેઓ રાજસ્થાનના ઝુન્ઝુનુથી સંસદસભ્ય હતા.
ખાનગી રહેઠાણમાં શિફ્ટ થશે
જગદીપ ધનખડ હાલમાં ઉપરાષ્ટ્રપતિના નિવાસસ્થાનમાં રહે છે. ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ માટે રહેઠાણ શોધવામાં ઓછામાં ઓછા ૩ મહિનાનો સમય લાગે છે. તેથી ધનખડે હાલના સમયમાં ખાનગી રહેઠાણનો વિકલ્પ પસંદ કર્યો છે. તેમણે ૯ સપ્ટેમ્બર પહેલાં ઉપરાષ્ટ્રપતિનું નિવાસસ્થાન ખાલી કરવું પડશે. ધનખડે ૨૧ જુલાઈએ સ્વાસ્થ્યનાં કારણોસર ઉપરાષ્ટ્રપતિપદ પરથી રાજીનામું આપ્યું હતું.

