રવિવારે રાત્રે સ્થાનિક નાગરિકો દ્વારા બાળકીને બચાવી લેવાયા બાદ ઇલાજ માટે તેને શતાબ્દી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી
નવજાત બાળકી
રવિવાર રાતે નવજાત બાળકીને મારી નાખવાના ઇરાદાથી બોરીવલી-ઈસ્ટના અશોકવન વિસ્તાર નજીકના નાળામાં ફેંકી દેનાર ૩૪ વર્ષની તેની મમ્મીની દહિસર પોલીસે ગઈ કાલે અટકાયત કરી હતી. રવિવારે રાત્રે સ્થાનિક નાગરિકો દ્વારા બાળકીને બચાવી લેવાયા બાદ ઇલાજ માટે તેને શતાબ્દી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બીજી બાજુ બાળકીને ફેંકનાર વ્યક્તિ સામે દહિસર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં પોલીસની બે ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. તેમણે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના રેકૉર્ડ અને નજીકના વિસ્તારોના ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસીને બાળકીને ફેંકનાર તેની મમ્મીની ઓળખ કરી લીધી હતી. આ મામલે પોલીસે DNA ટેસ્ટ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
દહિસર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સરજેરાવ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે રાત્રે સામે આવેલી આ ઘટના બાદ અમારી બે ટીમે બાળકીનાં મમ્મી-પપ્પાને શોધવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. એની સાથે બાળકીનું હૉસ્પિટલમાં ધ્યાન રાખવા માટે મહિલા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી. જ્યાં નાળું છે એ વિસ્તાર નજીક કોઈ CCTV કૅમેરા ન હોવાથી કોણે તેને ફેંકી એ શોધવું મુશ્કેલ સાબિત થયું હતું એટલે અમારી ટીમે BMCના રેકૉર્ડની મદદ લીધી હતી. એની સાથે જ્યાંથી બાળકી મળી હતી એ વિસ્તારમાં ઘરે-ઘરે જઈને તપાસ કરી હતી. દરમ્યાન જ્યાંથી બાળકી મળી હતી એ જ વિસ્તાર નજીકથી બાળકીની મમ્મીની અટકાયત કરવામાં આવી હતી. ત્રણ છોકરી બાદ છોકરાની આશાએ મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. જોકે પછીથી તે પણ છોકરી હોવાનું સામે આવ્યા બાદ તેને ન રાખવી હોવાથી નાળામાં ફેંકી દીધી હોવાની કબૂલાત મહિલાએ કરી હતી. આ કેસમાં મહિલા અને બાળકીની DNA ટેસ્ટ કરવામાં આવી છે જેનો બેથી ત્રણ દિવસમાં રિપોર્ટ આવશે. ત્યાર બાદ આગળ તપાસ કરવામાં આવશે.’


