શરદ લશ્કરી, નીરવ બારોટ, દિવ્યા જોશી ગણાત્રા અને ભાવના ગડા કરાવશે ખેલૈયાઓને થનગનાટ: મનોજ કોટકના માર્ગદર્શન હેઠળ પરંપરાગત નવરાત્રિ આયોજિત કરવા આયોજક સમિતિ સુસજ્જ
પ્રતીકાત્મક તસવીર
પરંપરા અને આધુનિકતાનો સુંદર સમન્વય સાધીને આધ્યશક્તિ જગદંબાની સ્તુતિ સાથે ખેલૈયાઓને થિરકાવતો સાર્વજનિક નવરાત્રિ મહોત્સવ ‘પ્રેરણા રાસ’ આ વર્ષે પણ નવા જોશ, નવો ઉમંગ અને નવા ઉત્સાહ સાથે ભવ્ય આયોજન માટે તૈયાર છે. ઈશાન્ય મુંબઈના લોકપ્રિય જનસેવક મનોજ કોટકના માર્ગદર્શન હેઠળ ટીમ ‘પ્રેરણા પરિવાર’ દોઢ દાયકાથી વધુનો સાર્વજનિક નવરાત્રિ આયોજિત કરવાનો અનુભવ ધરાવે છે. એક જ આયોજક દ્વારા એક જ ગ્રાઉન્ડ પર સતત ૧૮ વર્ષથી સાર્વજનિક નવરાત્રિનું આયોજન થતું રહે એવું ગૌરવ ફક્ત પ્રેરણા રાસને જ પ્રાપ્ત થયું છે, જેનું શ્રેય નિષ્ઠાવાન પ્રેક્ષકો અને ચાહકોને જાય છે.
મુલુંડના કાલિદાસના વિશાળ ગ્રાઉન્ડમાં સોમવાર ૨૨ સપ્ટેમ્બરથી ગુરુવાર બીજી ઑક્ટોબર સુધી ખેલૈયાઓ તથા દાંડિયા-ગરબારસિકો મન મૂકીને નવરાત્રોત્સવ માણી શકશે. આ વર્ષે માતાજીની કૃપાથી એક નોરતું વધારાનું હોવાથી કુલ ૧૧ દિવસોની ઉજવણી થશે. પરંપરા મુજબ દરરોજ સાંજે ૭ વાગ્યે મા અંબેની આરતી સાથે પ્રેરણા રાસનો આરંભ કરવામાં આવશે.
‘પ્રેરણા રાસ’માં પ્રસિદ્ધ વર્સેટાઇલ ગાયક શરદ લશ્કરી પોતાની સુમધુર ગાયકીથી સૌને મંત્રમુગ્ધ કરશે, જ્યારે તેમના બૅન્ડના વાદ્યવૃંદકારો સંગીતના સૂર વહાવશે. કાલિદાસના ગ્રાઉન્ડમાં લોકોનાં દિલ જીતી ચૂકેલા અષાઢી ગાયક નીરવ બારોટ આ વર્ષે પણ પોતાનાં સુપ્રસિદ્ધ લોકગીતોથી ધમાલ મચાવવા તૈયાર છે. સાથોસાથ કોકિલકંઠી દિવ્યા જોશી ગણાત્રા અને કચ્છી કોયલ ભાવના ગડા તેમની આગવી શૈલીમાં પ્રાચીન તેમ જ અર્વાચીન ગરબા અને લોકગીતોની રંગીન જમાવટ કરશે.

