મૅજિસ્ટ્રેટ કોર્ટના આદેશ બાદ પોલીસે પાંચ આરોપીઓની ૧૬૭.૮૫ કરોડ રૂપિયાની ૨૧ સંપત્તિ અટૅચ કરવાની કાર્યવાહી શરૂ કરી : આરોપી ધર્મેશ પૉનનો કાંદિવલીના ચારકોપમાં ચાલી રહેલો SRA પ્રોજેક્ટ પણ અટૅચ કરવામાં આવશે
ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્ક
ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કના ૧૨૨ કરોડ રૂપિયાના કૌભાંડના કેસમાં મૅજિસ્ટ્રેટ કોર્ટે આ કેસના પાંચ આરોપીઓની ૧૬૭.૮૫ કરોડ રૂપિયાની ૨૧ સંપત્તિ જપ્ત કરવાની મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (EOW)ને પરવાનગી આપી છે. નવા ક્રિમિનલ કાયદા અમલમાં આવ્યા બાદ શહેરમાં આ પહેલો કેસ છે જેમાં કોર્ટે આરોપીઓની પ્રૉપર્ટી જપ્ત કરવાનો આદેશ આપ્યો હોય.
બુધવારે મૅજિસ્ટ્રેટ કોર્ટે આદેશ આપ્યા બાદ મુંબઈ પોલીસની EOWએ આરોપીઓની સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. એમાં આ કેસના આરોપી બિલ્ડર ધર્મેશ પૉનનો ચારકોપમાં સ્લમ રીહૅબિલિટેશન ઑથોરિટી હેઠળ ચાલી રહેલા પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટની કિંમત ૧૫૦ કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.
ADVERTISEMENT
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ ૧૦૭ હેઠળ જો કોઈ આરોપી ક્રિમિનલ ઍક્ટિવિટી કરીને કોઈ પ્રૉપર્ટી ડેવલપ કરી રહ્યો હોય તો પોલીસ તેની આ પ્રૉપર્ટી જપ્ત કરી શકે છે. કોર્ટે જે ૨૧ પ્રૉપર્ટી જપ્ત કરવાનો આદેશ આપ્યો છે એમાં સાત ફ્લૅટ, દુકાન અને આ કેસના મુખ્ય આરોપી હિતેશ મહેતાનો બંગલો સામેલ છે.
પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં આઠ આરોપીઓની ધરપકડ કરી છે.

