ઓવરક્રાઉડિંગને લીધે અટકી પડેલી મોનોરેલમાં પાંચસોથી વધુ પ્રવાસીઓ બે કલાક સુધી લાઇટ, AC, વેન્ટિલેશન વગર ગોંધાઈ રહ્યા : કાચ તોડીને રેસ્ક્યુ કરવા પડ્યા ફાયર-બ્રિગેડની લૅડરે
ગઈ કાલે મોનોરેલમાંથી પૅસેન્જરોને ઉગારતા ફાયર-બ્રિગેડના જવાનો. તસવીરો : કીર્તિ સુર્વે પરાડે
એક બાજુ વરસાદમાં હાર્બર અને મેઇન લાઇનની ટ્રેનો ખોરવાઈ ગઈ હતી ત્યારે મોનોરેલ બરાબર ચાલતી હોવાથી હાશકારો હતો. વળી મોનોરેલ ચેમ્બુર, વડાલા, પરેલ, વરલી અને સાત રસ્તા જેવા મધ્ય મુંબઈના વિસ્તારોમાંથી પસાર થતી હોવાથી ગઈ કાલે અનેક લોકોએ બાય રોડ જવાનું ટાળીને મોનોરેલનો પ્રવાસ પ્રિફર કર્યો હતો અને એ જ બાબત મોનોને નડી ગઈ હતી. વધુ પ્રમાણમાં પ્રવાસીઓ ચડી જતાં ટેક્નિકલ ફૉલ્ટ આવ્યો અને મોનોરેલ ખોટકાઈ ગઈ હતી. આમ મુસાફરો માટે ટળવળતી રહેતી મોનોરેલ વધુ મુસાફરો મળતાં જ અટકી ગઈ હતી અને પાંચસોથી વધુ લોકો બે કલાકથી વધુ સમય સુધી ફસાઈ ગયા હતા.
ગઈ કાલે વડાલાની મૈસૂર કૉલોની પાસે સાંજે ૬.૧૫ વાગ્યે મોનોરેલને ઓવરક્રાઉડિંગના કારણે પાવર-સપ્લાય ન મળતાં મુશ્કેલી પડી હતી અને એ અટકી ગઈ હતી. પાવર-સપ્લાય ન મળતાં અંદરના પ્રવાસીઓને ગૂંગળામણ થવા માંડી હતી. પ્રવાસીઓએ તરત જ હેલ્પલાઇન નંબર ૧૯૧૬ પર ફોન કરીને મદદ માગી હતી. એ ઉપરાંત તેમણે અંદરથી ફોન કરીને આજુબાજુ રહેતા લોકોને અને પોલીસને તથા ફાયરબ્રિગેડને પણ જાણ કરી હતી. ફ્રેશ ઍર માટે તેમણે વિન્ડોના ગ્લાસ તોડવાનો પ્રયાસ કર્યો હતો. મોનોરેલમાં બેઠેલા પ્રવાસીઓને બહાર કાઢવા માટે ફાયર-બ્રિગેડની ૩ સ્નોર્કેલ લૅડરની મદદ લેવામાં આવી હતી. અંદર બેસેલા પ્રવાસીઓને બહાર કાઢવા માટે કાચ તોડવામાં આવ્યો હતો અને એ પછી તેમને ઈજા ન થાય એ રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. બે પ્રવાસીઓને સખત ગભરામણ થતી હોવાથી તેમને KEM હૉસ્પિટલ લઈ જવાયા હતા. આ જ ટ્રૅક પર ૧૦થી ૧૫ મિનિટ બાદ બીજી મોનોરેલ આવી હતી અને એ પણ પાવર-સપ્લાય કટ થતાં ખોટકાઈ હતી. જોકે બીજી મોનોરેલને ત્રીજી મોનોરેલ મોકલીને ટો કરીને પાછી વડાલા ડેપોમાં લઈ જવાઈ હતી અને ત્યાં એ ટ્રેનના પ્રવાસીઓને સુરક્ષિત ઉતારવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
MMRDAનો ખુલાસો : ક્ષમતા કરતાં વધારે લોકો ચડી ગયા
મોનોરેલ શા માટે અટકી એ બાબતનો ખુલાસો આપતાં મોનોરેલ ચલાવતી મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) તરફથી ખુલાસો આપતાં કહેવાયું હતું કે ‘મૈસૂર કૉલોની પાસે મોનોરેલ અટકી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ઓવર-ક્રાઉડિંગને કારણે આ સમસ્યા સર્જાઈ હતી. મોનોરેલની પૅસેન્જર્સ સાથેની ક્ષમતા ૧૦૪ મેટ્રિક ટન છે એની સામે પ્રવાસીઓની સંખ્યા વધી જવાને કારણે ૧૦૯ મેટ્રિક ટન વજન થયું હતું. આમ વજન વધતાં રેલ (ટ્રેન) અને એને ઇલેક્ટ્રિક પાવર સપ્લાય કરતા કરન્ટ-કલેક્ટરની યંત્રણા પડી ભાંગી હતી એથી પાવર-સપ્લાય અટકી ગઈ હતી.
MMRDAએ તરત જ ટેક્નિકલ ટીમ મોકલાવી હતી. સામાન્ય રીતે મોનોરેલ અટકી જાય તો એને બીજી ટ્રેનથી ટો કરીને લઈ જવાય છે પણ આ ટ્રેનમાં વજન વધી ગયું હોવાથી ટ્રેન એ રીતે ટો કરી શકાય એમ નહોતી એટલે આખરે ફાયર-બ્રિગેડની મદદ લેવી પડી અને તેમણે પૅસેન્જરોને સ્નોર્કેલ લૅડરથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
ભારે વરસાદને કારણે સેન્ટ્રલ રેલવેની હાર્બર લાઇન બંધ હોવાથી મોનોરેલમાં પ્રવાસીઓ ધસી આવ્યા હતા. અમારા સિક્યૉરિટી સ્ટાફે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેઓ ટ્રેનમાં ચડી ગયા હતા. એ નોંધવું મહત્ત્વનું છે કે મોનોરેલ એ લિમિટેડ કૅપેસિટીમાં લોકોને ટ્રાન્સપોર્ટની સુવિધા પૂરી પાડતી સિસ્ટમ છે. એ સામાન્ય રેલવેની ટ્રેન કે મેટ્રો ટ્રેનની જેમ પ્રવાસીઓનું વહન ન કરી શકે. અમે પ્રવાસીઓને વિનંતી કરીએ છીએ કે તેઓ કો-ઑપરેટ કરે. આજના જેવી સિચુએશન સર્જાય તો પ્લીઝ અમારી ટેક્નિકલ ટીમ અને સિક્યૉરિટીની સૂચનાઓનું પાલન કરો એ તમારી સેફ્ટી માટે જ છે.

